
વાત્સલ્યમ સમાચાર
વાંસદા– ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના નિરગુડમાળ ગામે દિવસના અજવાળે દીપડાએ ઢોર પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.વન્ય પ્રાણીના આ આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત વ્યાપી છે અને ખેતીના કામકાજ માટે જતાં લોકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે.મળતી માહિતી મુજબ, સવારે અંદાજે 8:30 વાગ્યે નિરગુડમાળ ગામના રહેવાસી સાધુરામભાઈના ઢોર પર દીપડાએ હુમલો કર્યો હતો.આ ઘટના ઢોર ચરાવવા ગયેલા સમયે બની હતી. અચાનક દીપડો ત્રાટકતાં ઢોરના ગળાના ભાગે તેના તીખા દાંત અને નખના ઘા જોવા મળ્યા હતા, જેના કારણે ઢોરને નાની-મોટી ઈજાઓ પણ પહોંચી છે.દીપડાના અણધાર્યા હુમલા બાદ ઘાયલ ઢોર ડરના માર્યા ગામ તરફ દોડી ગયા હતા, જ્યારે હુમલો કરનાર દીપડો નજીકના જંગલ તરફ ભાગીને છુપાઈ ગયો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નિરગુડમાળ ગામમાં રાત્રિના સમયે મરઘા અને બકરાઓ પર દીપડાના હુમલાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જોકે, હવે જ્યારે દિવસદાડે અને સવારના સમયે દીપડાએ ઢોર પર જીવલેણ હુમલો કર્યો છે, ત્યારે ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે.ખેતીના કામકાજ માટે ગામના લોકો રોજિંદા ધોરણે દિવસના સમયે ખેતરોમાં જતા હોય છે. જો દિવસે પણ દીપડાના હુમલાનો ભય સતત માથે ઝળુંબતો રહે, તો ખેડૂતો કેવી રીતે નિરાંતે પોતાનું કામકાજ કરી શકે — તે મોટો સવાલ ઊભો થયો છે.દીપડાના આ વધતા આતંકને કારણે ભયભીત બનેલા નિરગુડમાળના ગ્રામજનોએ દક્ષિણ વન વિભાગનાં ગલકુંડ રેંજને તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે. લોકોએ વન વિભાગને આ વિસ્તારમાં પાંજરું ગોઠવવા અને દીપડાને પકડી અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે..





