
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ધોરણ 1 અને 2 તેમજ બાલવાટિકા ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો બાળકોને મળ્યા જ નથી..!! શિક્ષણ જગતની શરમજનક સ્થિતિનું નિર્માણ, જવાબદાર કોણ..?
મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધો.૧, ૨ અને બાલવાટિકાના બીજા સત્રના પાઠ્યપુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત, વાલીઓમાં રોષ
(સત્ર શરૂ થયા એક માસથી વધુ સમય બાદ પણ પુસ્તકો વિતરણ ન થતાં બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નો : “શું આવી રીતે ભણશે ગુજરાત?”)
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદને અડીને આવેલા મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૧, ધોરણ ૨ અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ આજે પણ બીજા સત્રના પાઠ્યપુસ્તકોથી વંચિત હોવાનું સામે આવ્યું છે. બીજું સત્ર શરૂ થયા એક માસથી વધુ સમય પસાર થયો હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા આજદિન સુધી તાલુકાની એક પણ પ્રાથમિક શાળાને જરૂરી પાઠ્યપુસ્તકોનો વિતરણ કરવામાં આવ્યો નથી, જેના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થયા છે.
મેઘરજ તાલુકો અંતરિયાળ વિસ્તારનો હોવાથી અહીંના મોટાભાગના વાલીઓ છૂટક મજૂરી, પશુપાલન તેમજ ખેતી પર આધારિત જીવન નિર્વાહ કરે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પોતાના બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણાવવાની તેમની ભાવના હોય છે. તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં બીજું સત્ર તા. ૬ નવેમ્બર ૨૦૨૫થી શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ એક માસથી વધુ સમય પસાર થયા બાદ પણ ધોરણ ૧, ૨ અને બાલવાટિકાના બીજા સત્રના પાઠ્યપુસ્તકો હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યા નથી.
પાઠ્યપુસ્તકો ન મળવાથી ગ્રામ્ય વિસ્તારોના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે, જ્યારે બાળકો અભ્યાસથી પાછળ ન રહી જાય તે માટે વાલીઓ ચિંતિત બન્યા છે. હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે શું વાલીઓ મજૂરી કરીને નાણા એકત્ર કરી બજારમાંથી પુસ્તકો ખરીદવા મજબૂર બનશે? કે પછી શિક્ષણ વિભાગ સમયસર હસ્તક્ષેપ કરી તાકીદે પુસ્તકોનું વિતરણ કરશે..? તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
આ સમગ્ર બાબતને લઈ વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈ મેઘરજ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧, ૨ અને બાલવાટિકાના બીજા સત્રના પાઠ્યપુસ્તકો પહોંચાડી, વિદ્યાર્થીઓને તાત્કાલિક વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઉગ્ર માંગ ઉઠી છે.
બીજી તફર સમગ્ર બાબત ધ્યાને આવતા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ હજુ આ પુસ્તકો પહોંચ્યો ન હોવાની માહિતી સામે આવી છે. ખાસ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ના જણાવ્યા મુજબ હાલ સોફ્ટ કોપી આપવામાં આવી છે જે રીતે સ્ટેસ્ટમાંથી વિતરણ થશે તેમ તાલુકામાં પુસ્તકો પહોંચાડી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. શિક્ષકોના જણાવ્યા મુજબ શાળાના શિક્ષકોને આ પુસ્તકોની સોફ્ટ કોપી આપવામાં આવી છે અને જેના આધારે બાળકોનું શૈક્ષણિક કાર્ય શરૂ છે. પરંતુ જે રીતે બાળકને 1 મહિના પછી પણ પુસ્તકો ન મળતા હોય તો તે એક શરમજનક સ્થિતિ ગણી શકાય છે કારણ કે પાયાનું શિક્ષણ આપવામાં સરકાર ધ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ બાળકોને પુસ્તકો જ નથી પહોંચ્યા ત્યારે જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે




