
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વઘઈ તાલુકા પંચાયતના તત્કાલીન TDO અને બાંધકામ એસ.ઓ.ની જુગલજોડી પર સકંજો..
ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયત ફરી એકવાર ભ્રષ્ટાચારનાં ગંધને લઈને ચર્ચાનાં ચકડોળે ચડી છે,પરંતુ આ વખતે વિકાસના કારણે નહીં, પરંતુ કથિત ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને કારણે તાલુકા પંચાયતના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) સી.આર.પઢીયાર અને હાલના બાંધકામ એસ.ઓ. આશિષભાઈ ભોયેની જુગલજોડીએ લાખો રૂપિયાના સરકારી ફંડનો ગેરઉપયોગ કરીને કૌભાંડ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ભ્રષ્ટાચારનું નવું ગતકડું સાંસદ ફંડમાંથી ફાળવવામાં આવેલી સોલર સ્ટ્રીટ લાઇટના કામમાં બહાર આવ્યું છે, જેની ગુણવત્તા અને કિંમત પર મોટા પ્રશ્નો ઊભા થયા છે.વઘઇ તાલુકા પંચાયતમાં હાલમાં ભાજપાનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે ભાજપાના અડીખમ શાસન અને ‘વિકાસની દોટ’ના દાવાઓ વચ્ચે આ અધિકારીઓની જોડીએ ગામડાઓના વિકાસની જગ્યાએ વિનાશ વળી દીધો હોય તેવું ચિત્ર ઊભું થયું છે.તત્કાલીન TDO સી.આર. પઢીયારની હાલમાં બદલી થઈ ગઈ છે.પરંતુ તાત્કાલિન ટી.ડી.ઓ અને બાંધકામ એસ.ઓ. આશિષભાઈ ભોયેની જુગલજોડીએ તાલુકા પંચાયતની અનેક યોજનાઓમાં અમુક એજન્સીઓ સાથે મેળાપીપણું કરીને પોતાનો આર્થિક સ્વાર્થને સિદ્ધ કર્યો હોવાના આક્ષેપો છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આ બન્ને અધિકારીઓએ ખાસ કરીને સાંસદ ફંડમાંથી ફાળવવામાં આવેલી રકમનો બેફામ ઉપયોગ કર્યો છે. તેમણે બે જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોમાં સોલર સ્ટ્રીટ લાઇટ ઇન્સ્ટોલ કરવા માટે પોર્ટલ પર ટેન્ડર બહાર પાડ્યુ હતુ.સાંસદ ફંડમાંથી આ કામ માટે અંદાજિત ₹10 લાખ ની રકમ ફાળવવામાં આવી હતી.આ ટેન્ડરની ફાળવણી પોતાની માનીતી મંથન એજન્સીને આપવામાં આવી હતી.જેમાં ₹10 લાખના ખર્ચે બન્ને ગ્રામ પંચાયતોમાં પોલ સાથેની 20 જેટલી સોલર સ્ટ્રીટ લાઇટો ઉભી કરવામાં આવી છે.જે સ્ટ્રીટ લાઇટો હાલમાં લગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે, તેની ગુણવત્તા અને કિંમત સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને જાણકાર વ્યક્તિઓના મતે, આ સોલર લાઇટો અત્યંત તકલાદી અને હલકી કક્ષાની છે. સૌથી મોટો વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે સામે આવ્યું કે, આ જુગલજોડી દ્વારા એક સ્ટ્રીટ સોલર લાઇટ પોલ સાથેનો ભાવ ₹50,000 લગાવવામાં આવ્યો છે.માત્ર 20 સ્ટ્રીટ લાઇટ માટે ₹10 લાખનું બિલ બનાવવું અને તે પણ હલકી ગુણવત્તાની લાઇટો માટે, તે કોઈપણ રીતે વ્યાજબી જણાતુ નથી.બજારમાં ગુણવત્તાયુક્ત સોલર સ્ટ્રીટ લાઇટના પોલ સાથેના ભાવની સરખામણીએ આ ભાવ ઘણો ઊંચો ફરક દેખાઈ છે, જે દર્શાવે છે કે લાઇટની ખરીદીમાં મોટા પાયે ‘ભાવ વધારો’ દર્શાવીને લાખો રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો છે.વિકાસના કામમાં અપારદર્શિતાની હદ તો ત્યાં આવી ગઈ છે કે, જે ગ્રામ પંચાયતોમાં આ લાઇટો લગાવાઈ છે, તેના સરપંચોને પણ ખબર નથી કે આ સોલર સ્ટ્રીટ લાઇટ કયા ફંડમાંથી આવી છે અને તેની કુલ રકમ કેટલી છે. તાલુકા પંચાયત વઘઇનાં આ બન્ને અધિકારીઓ દ્વારા માત્ર એટલું જ કરવામાં આવ્યું છે કે સરપંચો પાસેથી ગામમાં સ્ટ્રીટ લાઇટ ઉતરી હોવાનું પ્રમાણપત્ર લખાવી લેવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ પોતાના ગામના વિકાસના કામોથી અજાણ હોય, ત્યારે વઘઇ તાલુકા પંચાયતની મનમાની સ્પષ્ટ દેખાય છે.આ ઉપરાંત,બાંધકામ એસ.ઓ.આશિષભાઈ ભોયે પર વધુ એક ગંભીર આક્ષેપ એ છે કે તેઓ માત્ર ડસ્ટબિન કે સોલર લાઇટ પૂરતું જ નહીં, પરંતુ અન્ય અનેક કામોમાં પણ કામ પૂર્ણ થયા વગર જ બિલો મંજુર કરી ચુકવણું કરી રહ્યા છે.આ પ્રકારની વહીવટી અનિયમિતતા વઘઇ તાલુકા પંચાયતમાં કરોડોનો ગોટાળો થયો હોવાની બૂમને વધુ મજબૂત બનાવે છે.આ તમામ ગંભીર આરોપો અને અનિયમિતતાઓ જોતા, સ્થાનિક સ્તરે એવી માંગ ઊઠી છે કે તત્કાલીન TDO સી.આર. પઢીયાર અને બાંધકામ એસ.ઓ. આશિષભાઈ ભોયે દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મંજૂર કરાયેલ તથા પૂર્ણ કરાયેલ તમામ વિકાસ કામોની સઘન અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. જો આ તમામ કામોની ફોરેન્સિક ઓડિટ કરવામાં આવે તો ડસ્ટબિન અને સોલર લાઇટ કૌભાંડથી પણ મોટું, મસમોટું કૌભાંડ બહાર આવવાની પૂરી સંભાવના છે.ત્યારે વઘઇ તાલુકાનાં ગરીબ પ્રજાના પૈસાનો આ પ્રકારે દુરૂપયોગ કરનાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવાય અને તેમને સજા થાય, તેવી લોકમાગણી ઉગ્ર બની છે.આ બાબતે વઘઇ તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી વિવેક ટેલરને પૂછતા તેઓએ જણાવ્યું હતુ કે બે જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં લગાવવામાં આવેલ સોલર સ્ટ્રીટ લાઈટની ગુણવત્તા અંગે હાલમાં જ તપાસનાં આદેશો આપુ છુ..





