GUJARATKUTCHNAKHATRANA

નિરોણા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી.

કારા ડુંગર પર ટ્રેકિંગના રોમાંચ સાથે વન્યજીવોની વિસ્તૃત માહિતી મેળવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

કુદરતને જાણવા અને માણવાની અનોખી તક વન વિભાગ દ્વારા અપાઇ.

નખત્રાણા,તા-૧૪ ડિસેમ્બર : કચ્છ વન વિભાગ દ્વારા સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે કારા ડુંગર ખાત બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.વન વિભાગની ટીમ દ્વારા તુલસીના છોડ અર્પણ કરી વિદ્યાર્થીઓ સહ શિક્ષકોનું ઉષ્માભેર સ્વાગત કરાયેલ હતું. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઓમદેવસિંહ દ્વારા પી.પી.ટી.ના માધ્યમથી કારા ડુંગર, અભયારણ્ય તથા રણ વિસ્તાર વિશે રસપ્રદ અને માહિતીસભર પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે પક્ષીઓ, વન્યજીવો, વન અને પર્યાવરણના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી.સાંજે સનસેટ પોઇન્ટ પર સૂર્યાસ્તનો મનમોહક નજારો સૌ માટે અવિસ્મરણીય બની રહ્યો. રાત્રીના ભોજન બાદ કેમ્પફાયરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કુદરતના ખોળે વિદ્યાર્થીઓએ ગરબા અને વાવલની રમઝટ જમાવી હતી.બીજા દિવસે સવારે આહલાદક વાતાવરણ અને ગુલાબી ઠંડી વચ્ચે કારા ડુંગર પર ટ્રેકિંગ યોજવામાં આવ્યું. ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિની અદભુત સુંદરતા સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો.અંતિમ દિવસે પ્રકૃતિ શિક્ષણ શિબિર દરમ્યાન વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા. અંતે વન્યજીવ સંરક્ષણ સંબંધિત પુસ્તકો, પક્ષીઓના કુંડા અને માળા ભેંટ રુપે આપી પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇન્ચાર્જ ઓમદેવસિંહ તથા તેમની ટીમના જાદવભાઇ, દેસાઇભાઇ અને  સોઢાભાઇ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી.આ શિબિરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવેલ હતી.સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર  અલ્પેશભાઇ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. શિબિરને સફળ બનાવવા શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરા તથા તખતસિંહ સોઢાએ વિશેષ સહયોગ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!