GUJARATKUTCHNAKHATRANA

ગૌચર બચાવ અભિયાન અંતર્ગત નખત્રાણામાં પ્રતિક ધરણાની સરપંચ સંગઠન દ્વારા જાહેરાત.

નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનની વહીવટી તંત્ર સમક્ષ માંગણીઓ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૬ ડિસેમ્બર : નખત્રાણા તાલુકાના તમામ ગામોની ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા “ગૌચર બચાવ અભિયાન” અંતર્ગત જાહેર અપીલ સાથે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધરણા દરમિયાન વહીવટી તંત્ર સમક્ષ ગૌચર જમીનને લગતી મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવશે.સરપંચ સંગઠનની માંગ છે કે નખત્રાણા તાલુકાના તમામ ગામોની ગૌચર જમીનની હદની તાત્કાલિક માપણી કરવામાં આવે તેમજ બાકી રહેલા સર્વે નંબરોના નકસા તૈયાર કરવામાં આવે. સાથે જ, ગામની ગૌચર જમીનને અન્ય હેતુ માટે ફાળવવા અંગે અત્યાર સુધી આપવામાં આવેલા તમામ વહીવટી આદેશો અને હુકમો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, તેવી માગ ઉઠાવવામાં આવી છે.આ ઉપરાંત, ગૌચર જમીનને ગૌચર તરીકે યથાવત જાહેર કરી તેને કાયમી ધોરણે પશુધન માટે અનામત રાખવાનો ઠરાવ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગૌચર જમીનનો યોગ્ય વિકાસ થાય તે માટે પશુઓ માટે પાણીના તળાવો અને ઘાસચારાના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવાની પણ માંગણી કરવામાં આવી છે.નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા આયોજિત આ પ્રતિક ધરણા તારીખ 17/12/2025, સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી, સ્થળ પ્રાંત ઓફિસ બહાર, નખત્રાણા ખાતે યોજાશે. સંગઠને ગૌચર જમીનના રક્ષણ માટે સર્વે નાગરિકો અને પશુપાલકોને સહભાગી બનવા જાહેર અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!