AHAVADANGGUJARAT

નવસારી માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ શાખા દ્વારા જિલ્લાના પત્રકારો માટેનો નિઃશૂલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

“સતત બે વર્ષથી યોજાતા પત્રકારો માટેના મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા અમે અમારા સ્વાસ્થ્યનું નિયમિત મૂલ્યાંકન કરી શકીએ છીએ, જે અત્યંત ઉપયોગી છે.”–  રોનક જાની (રીપોર્ટર)

‘ફીટ ઈન્ડિયા’ની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત પ્રહરી એવા પત્રકારોની નિઃશૂલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ આજે  નવસારી જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ શાખા , નવસારીના  સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આ કેમ્પમાં નવસારી જિલ્લાના ૪૦ થી વધુ મીડિયા ક્ષેત્રેના પત્રકારશ્રીઓએ નિઃશૂલ્ક આરોગ્ય તપાસ કરાવી પોતાનું સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.

પ્રજાનો અવાજ બનતા પત્રકારશ્રીઓના આરોગ્યની ચિંતા કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારોના વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેની શરૂઆત કરાવી હતી. આ વર્ષે આ ઉપક્રમનું બીજું વર્ષ છે.

આ પહેલના સંદર્ભે ઇન્ડીયા ટુડે ગ્રુપના નવસારીના રીપોર્ટર રોનક જાનીએ જણાવ્યું કે “સતત બે વર્ષથી પત્રકારો માટે યોજાતા મેડિકલ ચેકઅપ કેમ્પના કારણે અમને અમારા સ્વાસ્થ્યનું નિયમિત અને મૂલ્યાંકન કરવાની મહત્વપૂર્ણ તક મળી રહી છે. વ્યસ્ત કાર્યશૈલી વચ્ચે પોતાના આરોગ્ય તરફ ધ્યાન આપવું પત્રકારો માટે મુશ્કેલ બની જાય છે, ત્યારે આવા કેમ્પો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. પત્રકારોના આરોગ્યને પ્રાથમિકતા આપતી આ સરાહનીય પહેલ બદલ ગુજરાત માહિતી કચેરી તથા રેડક્રોસ ભવનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ માટેના આ અભિયાનમાં પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરતાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોએ આરોગ્ય તપાસ કરાવી હતી.પત્રકારોના આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઈ.સી.જી, એક્સ રે, બોડી પ્રોફાઈલ સહિત પ્રિલિમનરી ટેસ્ટ, લીવર અને કિડની ફંક્શન ટેસ્ટ, થાઈરોઈડ સ્ક્રીનિંગ, ડાયાબિટીસ માર્કર સહિતના જરૂરી પરીક્ષણોને આવરી લેવામાં આવ્યા હતાં. આમ, આ હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈને પત્રકારોની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ કેમ્પને સફળ બનાવવામાં  ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારી જીલ્લા શાખાના ચેરમેન તુષારકાંત દેસાઈ, માનદ મંત્રી ડો.ધર્મેશ કાપડીઆ, વ્યવસ્થાપક સમિતિના સભ્ય પ્રાધ્યાપક જશુભાઈ નાયક અને  નીલ નાયક તથા એડમિનિસ્ટ્રેટ તેમજ તેમની મેડીકલ ટીમ ડો. નરેશ ધાનાણી ,કેમ્પ ઇન્ચાર્જ પ્રકાશભાઇ પરમાર, લેબ ટેક્નિશિયન ભાવેશ ચૌહાણ, એક્સ રે ટેક્નિશિયન જીતુભાઈ, ECG ઓપરેટર ચિરાગભાઈ  તથા નવસારી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ પત્રકારશ્રીઓ સાથે સંકલન અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી  કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!