BHUJGUJARATKUTCH

માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા ૧૮ ડિસેમ્બરે ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૬ ડિસેમ્બર : માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા આગામી ૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યે, ભુજ શહેરના ભીડ બજાર સ્થિત મેમણ જમાત ખાના, ભીડ આઝાદ ચોક ખાતે આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસની ઉજવણી અને ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લઘુમતી સમુદાયના બંધારણીય અધિકારો, વિકાસ અને રક્ષણ સંબંધિત પ્રશ્નોને સમાજ અને સરકાર સમક્ષ રજૂ કરવાનો છે.માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટી (MCC)ની સ્થાપના ૧૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ લઘુમતી સમુદાયના મુદ્દાઓ પર સઘન સંશોધન કરીને તેમના અધિકારો માટે નક્કર સંઘર્ષ કરવા માટે કરવામાં આવી હતી. MCCના સંશોધન અનુસાર ગુજરાતમાં લઘુમતી સમુદાયને શિક્ષણ, સુરક્ષા અને વિકાસ સંબંધિત અનેક અધિકારો દેશના અન્ય રાજ્યોની તુલનામાં મળતા નથી. રાજ્યમાં લઘુમતી કલ્યાણ માટે અલગ મંત્રાલય અથવા વિભાગનો અભાવ, લઘુમતી આયોગની રચના ન થવી, લઘુમતી વિસ્તારોમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અછત, મદ્રેસા શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા ન મળવી તેમજ સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સ્પષ્ટ નીતિ ન હોવી જેવા મુદ્દાઓ સતત ચિંતાનો વિષય રહ્યા છે.આ પ્રશ્નોના ઉકેલ માટે MCC દ્વારા અગાઉ પોસ્ટકાર્ડ અભિયાન, જિલ્લા કલેક્ટરો મારફતે સરકારને આવેદનો, મુખ્ય સચિવ તેમજ રાજ્યપાલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજી સુધી સરકાર તરફથી નક્કર પગલાં લેવામાં ન આવતા અલ્પસંખ્યક સમુદાયમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૮ ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં લઘુમતી સમુદાયના સર્વાંગી વિકાસ માટે બજેટમાં યોગ્ય ફાળવણી, મદ્રેસા શિક્ષણને માન્યતા, વિશેષ આર્થિક પેકેજ, સાંપ્રદાયિક હિંસાથી પીડિતોના પુનર્વસન માટે નીતિ તથા પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમના સંપૂર્ણ અમલ જેવી માંગોને લઈને ચર્ચા કરી સંયુક્ત રજૂઆત કરવામાં આવશે.કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગોના લોકો, સામાજિક કાર્યકરો તથા અલ્પસંખ્યક સમુદાયને વિશાળ સંખ્યામાં હાજરી આપવા માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!