GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉમંગભેર લીધો ભાગ

કેશોદમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉમંગભેર લીધો ભાગ

કેશોદ શહેર ખાતે પી.વી.એમ. ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ ખેલ મહોત્સવના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી જિલ્ડીયાભાઈ, મામલતદાર સહિત અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા ખેલાડીઓને ઉત્સાહિત કરી રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત રાસ, કબડ્ડી, ખોખો, યોગાસન, એથ્લેટિક્સ, કુસ્તી, શૂટિંગ બોલ, ક્રિકેટ, દોડ સહિત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં માંગરોળ અને કેશોદ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધાઓ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ માહિતી આપવામાં આવી હતી કે પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને આગામી તારીખ 24/25/11/2025 ના રોજ પોરબંદર ખાતે યોજાનાર આગામી તબક્કાની સ્પર્ધા માટે બોલાવવામાં આવશે. કેશોદ ખાતે યોજાયેલ આ સાંસદ ખેલ મહોત્સવથી વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધ્યો હતો તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓને પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!