
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ડી.આઈ.જી.નું ઇન્સ્પેક્શન, મોડાસા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાયો
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ દરમિયાન મોડાસા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર તથા જિલ્લાના નાગરિકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. લોક દરબારમાં ખાસ કરીને શહેરની ટ્રાફિક સમસ્યાઓ, પોલીસ ચોકીઓની વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. શહેરના આગેવાનો સાથે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે સીધી ચર્ચા કરી અને નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.ઇન્સ્પેક્શનના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આતંકવાદી હુમલાની સંભાવનાઓ સામે પોલીસની તૈયારી ચકાસવા માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. આ મોક ડ્રિલ દરમિયાન આપત્તિ સમયે લેવામાં આવતી કાર્યવાહી, ટીમ વર્ક અને સાધનસામગ્રીના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવ્યો.ડી.આઈ.જી.એ પોલીસ અધિકારીઓને જનતા સાથે સુમેળભર્યું વર્તન રાખવા, ટ્રાફિક વ્યવસ્થા વધુ સુઘડ બનાવવા અને જિલ્લામાં શાંતિ તથા સુરક્ષા જાળવવા કડક અને અસરકારક પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું.




