વઢવાણ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

તા.18/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે જાગૃતિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસ, વઢવાણ ખાતે યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સેમિનારમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. દર્શન પટેલે PC & PNDT એક્ટ (ગર્ભ પરીક્ષણ પ્રતિબંધિત કાયદો) અંગે વિગતવાર ટેકનિકલ અને કાયદાકીય સમજ આપી હતી ડૉ. પટેલે જણાવ્યું હતું કે સમાજમાં દીકરા અને દીકરી વચ્ચેનો તફાવત દૂર કરી બંનેને સમાન ગણવા જોઈએ તેમણે આશા વર્કર બહેનોને અપીલ કરી હતી કે તેઓ ગાયનેકોલોજિસ્ટ અને સમાજ વચ્ચેની મહત્વની કડી છે તેથી સમાજને કુરીવાજોમાંથી બહાર લાવવા અને દીકરીના જન્મને હર્ષોલ્લાસ સાથે વધાવવા માટે પ્રેરણા આપે કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડિનેટર જલ્પા વી. ચંદેશરા દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી તેમણે દીકરીના જન્મનું સમાજમાં મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે દીકરી એ બે કુળને ઉજાળે છે અને તેના ઉછેર તેમજ શિક્ષણ માટે સમાજે જાગૃત બનવું અનિવાર્ય છે તેમણે યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો વિશે પણ બહેનોને માહિતગાર કર્યા હતા આ સેમિનારના માધ્યમથી આશા વર્કર બહેનો દ્વારા છેવાડાના માનવી સુધી દીકરી બચાવવાનો અને એક નવા, સમાનતાવાળા સમાજની રચના કરવાનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.




