કાલોલ તાલુકાના મલાવ ગામે જીલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા.

તારીખ ૧૮/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પોલીસ અને પ્રજા વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરવા અને સુરક્ષાનો વિશ્વાસ જગાડવાના હેતુથી પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત દ્વારા કાલોલ તાલુકાના મલાવ ગામે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સહિત કાયદો અને વ્યવસ્થાનું અવલોકન કર્યું હતું. જીલ્લા પોલીસ વડાએ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક સંવાદ કર્યો હતો અને આરોગ્ય કેન્દ્રની સુવિધાઓની સમીક્ષા કરી હતી. રાત્રિ સભા દરમિયાન તેમણે ગ્રામજનોને સાયબર ક્રાઈમથી જાગૃત કરી વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો. ગામડું ‘ગોકુલધામ’ જેવું આદર્શ બને તે માટે લોકભાગીદારી અને પોલીસ-જન સહકારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાના આ પ્રજાભિમુખ અભિગમથી ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની હતી.






