GUJARATKUTCHNAKHATRANA

નિરોણા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ધોળાવીરા ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી.

ટ્રેકિંગ, વન્યજીવ નિરીક્ષણ અને પ્રકૃતિના ખોળે બે દિવસીય રોમાંચ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૯ ડિસેમ્બર : વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો, વનો ને છે વનસ્પતિ! –

પંક્તિઓને સાર્થક કરતી કચ્છ પૂર્વ વન વિભાગ, રાપર ઉત્તર રેન્જ દ્વારા સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના વિદ્યાર્થીઓ માટે ધોળાવીરા ખાતે તા. ૧૬/૧૨/૨૫ થી ૧૭/૧૨/૨૫ દરમિયાન બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવવાનો હતો.રમણીય માર્ગ “રોડ ટુ હેવન” થઈ ધોળાવીરા પહોંચતા વન વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ સહ શિક્ષકોનુ ઉષ્માભેર સ્વાગત કરવામા આવ્યુ. પ્રકૃતિ શિબિર ઇન્ચાર્જ નરેશભાઈ ડોડીયાએ અભયારણ્ય, રણ વિસ્તાર, પક્ષીઓ, વન્યજીવો તથા પર્યાવરણ સંરક્ષણ- સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું. સાંજે ત્રગડી બેટ અને સનસેટ પોઇન્ટ પર ઘુડખર, હરણ, સુરખાબ તથા અન્ય યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ કરાવાયું, જે વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય અનુભવ રહ્યો.રાત્રે પી.પી.ટી. અને ડોક્યુમેન્ટરી દ્વારા વન્યજીવ અને ઔષધિઓ અંગે વિશેષ માહિતી અપાઈ તથા રાત્રે કેમ્પ ફાયર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. જેમા વિદ્યાર્થીઓએ ગરબા અને વાવલની રમઝટ બોલાવી. બીજા દિવસે છપ્પરીયા રખાલ પર ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિની સુંદરતા સાથે સ્વચ્છતા અભિયાન ચલાવી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો સંકલ્પ લીધો. વુડ ફોસિલ પાર્ક અને ૫૦૦૦ વર્ષ જૂના સિંધુ ખીણની સભ્યતાના નગરની મુલાકાતે વિદ્યાર્થીઓ વિસ્મિત થયા.શિબિરના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના બે દિવસીય અનુભવ અને મંતવ્ય રજૂ કરી વન વિભાગનો દિલથી આભાર વ્યક્ત કરેલ હતો. વન વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી ભાવસભર વિદાય અપાયેલ હતી. સમગ્ર આયોજન શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીના સંકલનથી કરાયેલ હતુ. આ શિબિરને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અલ્પાબેન ગોસ્વામી, અલ્પાબેન બુચિયા, સંદીપભાઈ ત્રિવેદી તેમજ તખતસિંહ સોઢાએ ખાસ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!