GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં ‘ખાસ સઘન સુધારણા’ અંતર્ગત મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

તા.૧૯/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લાની આઠ વિધાનસભા બેઠક વિસ્તારમાં ૨૩.૯૧ લાખથી વધુ મતદારોની ચકાસણી પૂર્ણ

૧૯ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી સુધી હક્ક-દાવા સ્વીકારાશેઃ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમપ્રકાશ

Rajkot: ભારતના ચૂંટણી પંચ-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ખાસ સઘન સુધારણા’ (Special Intensive Revision – SIR) કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે મુસદ્દા મતદારયાદી (Draft Roll – કાચી મતદાર યાદી) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારયાદીને ક્ષતિરહિત અને પારદર્શક બનાવવાનો છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના કુલ આઠ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૨૩,૯૧,૦૨૭ મતદારોની બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા રૂબરૂ ચકાસણી કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન ૮,૨૩,૬૬૮ મતદારોનું ૨૦૦૨ની મતદારયાદી સાથે સેલ્ફ મેપિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ૧૦,૦૬,૧૭૭ મતદારોનું વંશાવલી મેપિંગ કરવામાં આવ્યું છે. અવસાન પામેલા ૮૯,૫૫૩ મતદારો, કાયમી સ્થળાંતર થયેલા ૧,૬૯,૧૩૫ મતદારો, ૧૦,૭૩૬ મતદારો ડુપ્લીકેટ હોવાથી તેમજ ૭૩૦૪ મતદારોના નામ અન્ય કારણોસર જરૂરી ચકાસણી બાદ ડ્રાફ્ટ રોલમાંથી કમી કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે હેતુથી રાજકીય પક્ષો સાથે અત્યાર સુધીમાં કુલ પાંચ બેઠકો યોજવામાં આવી છે. તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ રોલની નકલો સોંપવામાં આવી છે. ગેરહાજર, સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી અલગથી તૈયાર કરી રાજકીય પક્ષોને આપવામાં આવી છે. જેથી કોઈ પણ સાચું નામ રદ ન થાય તેની તકેદારી રાખી શકાય. બૂથ લેવલ ઓફિસર તથા રાજકીય પક્ષોના એજન્ટો વચ્ચે સંયુક્ત બેઠક યોજીને ક્ષતિરહિત ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો માટે મતદારયાદીમાં નામ નોંધાવવા કે સુધારા-વધારા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા.૧૯ ડિસેમ્બરથી તા. ૧૮ જાન્યુઆરી સુધી હક્ક-દાવા અને વાંધા અરજી કરી શકાશે. ૧૯ ડિસેમ્બરથી ૧૦ ફેબ્રુઆરી સુધી નોટિસ ઈશ્યૂ કરવાની, સુનાવણી તેમજ ચકાસણીની કામગીરી કરાશે.

નવું નામ નોંધાવવા માટે (જેમની ઉંમર ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતી હોય) તેમણે ફોર્મ નં. ૬ ભરવું. નામ રદ કરવા માટે ફોર્મ નં. ૭ ભરવું. નામ કે વિગતોમાં સુધારા-વધારા અથવા સરનામું બદલવા માટે ફોર્મ નં. ૮ ભરવું. આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થશે.

આ મુસદ્દા મતદારયાદી કલેકટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મામલતદાર કચેરી અને નિયુક્ત મતદાન મથકો પર જોઈ શકાશે. આ ઉપરાંત CEO Gujarat ની વેબસાઈટ પર પણ યાદી ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યું હતું કે, જે મતદારોનું ૨૦૦૨ની મતદારયાદી સાથે મેપિંગ થયેલ નથી, તેઓને SIR પ્રક્રિયા દરમિયાન નિયત પુરાવા રજૂ કરવા વિનંતી કરવામાં આવે છે.

આ તકે તેમણે એસ.આઈ.આર.ની સમગ્ર પ્રક્રિયામાં સહકાર આપનારા નાગરિકો, રાજકીય પક્ષો, બી.એલ.ઓ.નો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!