
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
જનતાના પ્રતિનિધિઓ કથામાં વ્યસ્ત, કચ્છની દીકરીઓ રસ્તા પર ત્રસ્ત : શરમ હોય તો ડૂબી મરો!
અમદાવાદ,તા.20: કચ્છમાં ટેટ (TET) ની પરીક્ષા આપવા જતી દીકરીઓ સાથે જે રીતે એસટી તંત્ર અને રાજકીય નેતાઓએ વર્તન કર્યું છે તેનાથી આખા કચ્છમાં રોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠક્કરે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું છે કે એક તરફ દીકરીઓને ૪૦૦ કિમી દૂર પરીક્ષા કેન્દ્રો આપીને હેરાન કરવામાં આવી રહી છે તો બીજી તરફ એડવાન્સ બુકિંગ હોવા છતાં એસટી બસો કોઈ પણ જાતની જાણ કર્યા વગર છેલ્લી ઘડીએ રદ કરીને તેમને અડધી રાત્રે રઝળતી મૂકવામાં આવે છે. ગુંદાલા ગામની દીકરીઓ જ્યારે હાઈવે પર મદદ માટે વલખાં મારતી હતી ત્યારે મુંદરા એસટી ડેપોએ ફોન ઉપાડવાનું પણ મુનાસિબ માન્યું નહોતું.
દીકરીઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે ધારાસભ્ય અને સંસદ સભ્યો પાસે અદાણીની કથાઓમાં જવા માટે બસોની લાઈનો લગાડવાની વ્યવસ્થા છે અને કથામાં વાહ-વાહી કરવાનો સમય છે તેમની પાસે કચ્છના વિદ્યાર્થીઓના હિત માટે કે પરીક્ષા કેન્દ્ર અપાવવા માટે એક શબ્દ બોલવાની પણ ફૂરસદ નથી. જો જનતાના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓની આટલી પીડા પણ ન સમજી શકતા હોય તો તેમને ભવિષ્યમાં ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી. દીકરીઓએ કટાક્ષમાં જણાવ્યું કે જો આ નેતાઓમાં થોડી પણ શરમ બાકી હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.
વધુમાં જણાવાયું હતું કે કચ્છમાં કચ્છી શિક્ષક મળે તે માટે યુવાનો આટલી મહેનત કરી રહ્યા છે પરંતુ તંત્ર તેમને પ્રોત્સાહન આપવાને બદલે હેરાન કરી રહ્યું છે. સત્તાના નશામાં ચૂર નેતાઓ ભલે અત્યારે મૌન હોય પણ કથાનો નાયક ‘લાલો’ બઘી જ લીલા જોઈ રહ્યો છે અને આવનાર સમયમાં જનતા આનો જવાબ ચોક્કસ આપશે. સરકારી તંત્રની આ બરબાદી અને નેતાઓની નિષ્ક્રિયતા સામે હવે કચ્છનો યુવાન જાગ્યા છે અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



