Rajkot: રાઈનું વાવેતર કરતાં ખેડૂતોએ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ ધ્યાન રાખવાની બાબતો

તા.૨૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: અત્યારે શિયાળુ વાવેતરનો સમય છે ત્યારે ખુબ મહેનતમાં પરોવાયેલ ખેડૂતોને આ અંગેની તલસ્પર્શી વિગતો રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે રાઇના પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે રાઈના ઊભા પાકમાં લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં નીચે મુજબ છે.
રાઈના ઉભા પાકમાં મોલો તેમજ લીલી ઇયળની શરૂઆત થાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી તૈયાર કરેલ ૫ % અર્ક અથવા લીમડાના તેલ આધારિત તૈયાર દવા ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. મોલો તેમજ રંગીન ચૂસિયાનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુજી ર ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. રાઇની માખીના નિયંત્રણ માટે કવીનાલફોસ ૦.૦૫% પ્રમાણે ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. અથવા કવીનાલફોસ ૧.૫% પાવડર હેક્ટરે ૨૦ થી ૨૫ કિલો ગ્રામ મુજબ છંટકાવ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવાયું છે.



