
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યો છે : પ્રવાસન રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા માંડવી ખાતે માંડવી બીચ ફેસ્ટિવલનું કરાયું છે આયોજન
માંડવી ,તા-૨૨ ડિસેમ્બર : કચ્છના માંડવી ખાતેના રમણીય દરિયાકાંઠે આજરોજ ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીતે “માંડવી બીચ ફેસ્ટિવલ”ને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે, કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે. પ્રવાસન રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામિત એ કચ્છના પ્રવાસનના વિકાસનો શ્રૈય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપીને જણાવ્યું હતું કે, આજે કચ્છ એ ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિક્ષેત્રે અગ્રેસર બન્યું છે. “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…” ઉક્તિ એ આજે ખરા અર્થમાં સાચી સાબિત થઈ છે. સમગ્ર દેશ દુનિયા અને ગુજરાતમાંથી કચ્છને જોવા અને માણવા લોકો આવી રહ્યા છે. કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યો છે. કચ્છમાં વિકસેલા પ્રવાસનના લીધે સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું છે. કચ્છમાં પ્રવાસનના વિકાસના લીધે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રણોત્સવ જેવા આયોજનોથી કચ્છી ઉત્પાદનોની માંગ વધી છે. કચ્છના વિવિધ દરિયાકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વોટર સ્પોર્ટ્સ એડવેન્ચરનો વિકાસ કરાશે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સ્વદેશી અપનાવવા આહવાન કરીને પ્રવાસન રાજ્યમંત્રીશ્રીએ માંડવી બીચ ખાતેના સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલમાંથી ખરીદી કરવા અનુરોધ કર્યો હતો. વર્ષ ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કચ્છનું વિશેષ યોગદાન હશે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રણ, દરિયો, ડુંગરની ત્રિવેણી પ્રકૃતિ ધરાવતા કચ્છની ક્ષમતાને ઓળખવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરીને ધરતીકંપ બાદ કચ્છને બેઠુ કરવા ઉપરાંત પ્રવાસનક્ષેત્રે આજે કચ્છને વિશ્વના નકશામાં મૂક્યું છે. સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સફેદ રણ, કાળો ડુંગર, ધોળાવીરા વગેરે જેવા પ્રવાસન સ્થળોના વિકાસ સાથે આજે પુનઃ પ્રારંભ થયેલા માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છમાં પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપશે. કચ્છમાં પ્રવાસનના વિકાસ બાદ કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે, રોજગારમાં પણ ખૂબ વધારો થયો છે ત્યારે આવનારા સમયમાં માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છની સંસ્કૃતિ સાથે પ્રવાસીઓને જોડવાનું કામ કરશે. કચ્છના અન્ય બીચ સહિત ધોળાવીરા સહિતના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને તેમણે નાગરિકોને સ્વદેશીની જ્યોત વધુ પ્રજ્વલિત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ માંડવી બીચ ફેસ્ટિવલની ભેટ આપવા માટે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છના પ્રવાસનને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે, ત્યારે માંડવી બીચ ફેસ્ટિવલ પ્રવાસીઓને કચ્છમાં મનોરંજન માણવા માટે વધુ એક ભેટ છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે માંડવીના રમણીય દરિયાકાંઠેનો વિશ્વને પરિચય કરાવ્યો હતો. આજે પુનઃ પ્રારંભ થયેલો આ ઉત્સવ કચ્છ તથા માંડવી વિસ્તારમાં રોજગારના વધારા સાથે અહીંની કલા, સંસ્કૃતિ સાથે અર્થતંત્રને વધુ વેગ આપશે. આ ઉત્સવ સ્વદેશીને ઉજાગર કરશે. કાર્યક્રમના આરંભે પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ દરિયાની લહેરો સાથેનો રંગબેરંગી લેઝર સાઉન્ડ શો, રેત શિલ્પને નિહાળ્યા બાદ ફૂડ સ્ટોલ તથા ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૧ દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈવ મ્યૂઝિક પરફોર્મન્સ, હેન્ડિક્રાફ્ટના સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતના આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે. ગુજરાત તથા કચ્છની સાંસ્કૃતિક ઓળખ અને પ્રવાસીઓને એક આહ્લાદક અનુભવ આપવાના ઉદ્દેશ સાથે કચ્છમાં રણ ઉત્સવ સાથે માંડવી બીચ ફેસ્ટિવલ પ્રવાસીઓને વધુ એક સુખદ અનુભવ આપનારા સ્થળ બની રહેશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માંડવી નગરપાલિકા પ્રમુખશ્રી હરેશ વિંઝોડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કેવલભાઈ ગઢવી, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, પ્રવાસન નિગમના જોઈન્ટ એમડીશ્રી કુલદીપસિંહ ઝાલા, પ્રવાસન વિભાગના જનરલ મેનેજરશ્રી ચેતન મિસણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત માંડવી બીચ ફેસ્ટિવલને માણવા માટે મોટી સંખ્યામાં કચ્છવાસીઓ તેમજ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી બીચ ફેસ્ટિવલમાં વિવિધ કલાકારો લાઈવ પરફોર્મન્સ આપશે – માંડવી બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓના મનોરંજન માટે ૧૧ દિવસ લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના પ્રખ્યાત કલાકારો તેમજ રાઈઝીંગ સ્ટાર્સ બેન્ડ લાઈવ પરફોર્મન્સ આપશે. તા.૨૧ના એશ્વર્યા મજમુદારના લાઈવ પરફોર્મન્સને સહેલાણીઓએ મન મુકીને માણ્યું હતું. તા.૨૨ ના ધ્રુવમ ત્રિવેદી એન્ડ બેન્ડ, તા. ૨૩ ના કોમર્શિયલ કલેક્ટિવ બેન્ડ, તા. ૨૩ના ઇમોશન સબમરીન બેન્ડ, તા. ૨૫ના હનીટ્યુન બેન્ડ, તા. ૨૬ના હેમાલી વ્યાસ એન્ડ બેન્ડ, તા. ૨૭ના અઘોરી મ્યૂઝિક, તા.૨૮ના સ્ટ્રીંગ્સ એન્ડ સ્ટોરીઝ, તા.૨૯ના હેક્ઝાગોન બેન્ડ, તા. ૩૦ના નઈમ ઘફરાની એન્ડ બેન્ડ, તા. ૩૧ના ખાંડેકર કલેક્ટિવ બેન્ડ લાઈવ પરફોર્મન્સ આપી પ્રવાસીઓને ડોલાવશે.










