
નવેમ્બરમાં વાર્ષિક આધાર પર ક્રૂડ ઓઇલની આયાત માત્રામાં ૧૧ ટકાનો વધારો નોંધાયો હોવા છતાં આયાત બિલ લગભગ સ્થિર રહ્યું છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના આંકડા મુજબ નવેમ્બર મહિનામાં ભારતનું તેલ આયાત બિલ ૯.૯ અબજ ડોલર રહ્યું, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીમાં ખાસ ફેરફાર દર્શાવતું નથી. આ સમયગાળા દરમિયાન દેશમાં ૨.૧૧ કરોડ ટન ક્રૂડ ઓઇલ આયાત થયું હતું, જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં આ આંકડો ૧.૮૯ કરોડ ટન હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં વધારાના સપ્લાયની ચિંતા વચ્ચે ૨૦૨૫ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ નરમ રહ્યા હોવાથી વધુ આયાત છતાં ભારતનું આયાત ખર્ચ નિયંત્રણમાં રહ્યું છે. નવેમ્બર ૨૦૨૫માં ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટની સરેરાશ કિંમત ૬૪.૩૧ ડોલર પ્રતિ બેરલ રહી, જ્યારે ગયા વર્ષે આ કિંમત ૭૩.૦૨ ડોલર પ્રતિ બેરલ હતી. એપ્રિલથી નવેમ્બર વચ્ચે દેશનું કુલ ક્રૂડ ઓઇલ આયાત બિલ અંદાજે ૧૨ ટકા ઘટીને ૮૦.૯ અબજ ડોલર થયું છે.
ડિસેમ્બર મહિનામાં પણ આ સ્થિતિ ભારત માટે વધુ અનુકૂળ બની શકે છે, કારણ કે બેન્ચમાર્ક બ્રેન્ટનો ભાવ ૬૦ ડોલર પ્રતિ બેરલથી નીચે સરકીને છેલ્લા પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો છે. આ સાથે, નવેમ્બરમાં ભારતનું લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) આયાત બિલ પણ ૧.૨ અબજ ડોલર પર સ્થિર રહ્યું છે, જોકે આયાતની માત્રામાં ૫ ટકાનો વધારો થયો છે. દેશમાં મહિને ૨૮૪.૪ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એલએનજી આયાત થયું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં ૨૭૧.૨ કરોડ હતું.


