
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી અટકેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ડીલ ગઈકાલે અંતિમરૂપે સાઇન થઈ છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આ ઐતિહાસિક કરારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ ડીલથી ન્યૂઝીલેન્ડના નિકાસકારોને વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતીય બજારમાં પ્રવેશ વધુ સરળ બનશે. ખાસ કરીને ભારતના ઝડપથી વિકસતા મધ્યમ વર્ગ સુધી પહોંચ વધશે, જે ન્યૂઝીલેન્ડ માટે મહત્વની તક છે. આ ફ્રી ટ્રેડ ડીલ હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારતમાં આવતી અંદાજે ૯૫% વસ્તુઓ પર આયાત ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાંની અડધાથી વધુ વસ્તુઓ કરારના પ્રથમ દિવસથી જ ડ્યુટી ફ્રી બની જશે. પરિણામે ભારતીય બજારમાં અનેક આયાતી વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે.
આ કરારનો સીધો લાભ ભારતીય ગ્રાહકોને મળશે. ન્યૂઝીલેન્ડથી આવતા તાજા ફળો જેમ કે કીવી અને સફરજન હવે ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ઊન અને તેમાંથી બનતા ઉત્પાદનો, લાકડું તેમજ કેટલીક વિશેષ ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ માટે વિદેશી ફળો, વાઇન અને ડેરી ઉત્પાદનો વધુ પરવડે તેવી બનવાની અપેક્ષા છે. ન્યૂઝીલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર આ ડીલની સૌથી મહત્વની બાબત એ છે કે ૫૦%થી વધુ ઉત્પાદનો પર ‘ડે-વન’ એટલે કે કરાર અમલમાં આવે તે જ દિવસથી કોઈ ડ્યુટી લાગશે નહીં. એટલે કે આ કરારના લાભો તાત્કાલિક રૂપે જોવા મળશે. ન્યૂઝીલેન્ડે ભારત સાથે આ કરાર ભારતની વધતી આર્થિક તાકાતને ધ્યાનમાં રાખીને કર્યો છે.
કીવી સરકારના અંદાજ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતીય અર્થતંત્રનું કદ અંદાજે ૧૨ ટ્રિલિયન ન્યૂઝીલેન્ડ ડોલર સુધી પહોંચશે. વધતી ખરીદ શક્તિ અને વિશાળ વસ્તીના કારણે ભારત ન્યૂઝીલેન્ડના ડેરી, તાજા ફળો અને ઊન ઉદ્યોગ માટે વિશ્વનું સૌથી મોટું બજાર બની શકે છે.ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ માટેની ચર્ચા છેલ્લા ૧૦ વર્ષથી અટકી પડી હતી. પરંતુ આ વર્ષે માર્ચમાં બંને દેશોએ ફરીથી વાતચીત શરૂ કરી અને માત્ર ૯ મહિનાની અંદર કરારને અંતિમ સ્વરૂપ આપ્યું. આ પહેલાં ભારતે ઓસ્ટ્રેલિયા અને યુએઈ સહિત અનેક દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતે કુલ સાત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરીને પોતાની વૈશ્વિક વેપાર ભાગીદારીને મજબૂત બનાવી છે.



