ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત ચેકીંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત ચેકીંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે ભરૂચ શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકીંગ કર્યું હતું.
નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની હાજરીમાં કરાયેલા આ ચેકીંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો મળી આવ્યો હતો.તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા આ તમામ પ્લાસ્ટિક બેગ તાત્કાલિક જપ્ત કરી લીધા હતા. સાથે જ દુકાનદાર સામે પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રતિબંધ સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આવા ચેકીંગ આગળ પણ સતત ચાલુ રહેશે. વેપારીઓને વારંવાર સૂચનાઓ આપ્યા છતાં જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે સંગ્રહ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહીથી શહેરના અન્ય વેપારીઓમાં પણ ચેતવણી ફેલાઈ છે અને પાલિકાએ નાગરિકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણ સુરક્ષામાં સહયોગ આપવા અપીલ કરી છે.




