ઘર કા ભેદી લંકા ઢાયે: અંકલેશ્વરમાં પિતાના ઘરે ચોરી કરનાર પુત્ર જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર: શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી ₹૧૯.૮૦ લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ ૧૮ વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યા છે.
લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું
મઝુમ રુસ્તમજી વિમાદલાલનો પરિવાર ગત તા. ૧૭/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫ દરમિયાન પૂણે ખાતે એક લગ્નપ્રસંગમાં ગયો હતો. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લીકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો. ચોરોએ પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમના કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે ૧૪ તોલા સોનાના દાગીના (કિંમત ₹૧૬.૮૦ લાખ) અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી ₹૩ લાખ રોકડા મળી કુલ ₹૧૯,૮૦,૦૦૦ ની મત્તાની ચોરી કરી હતી.
પોલીસ તપાસ અને ભેદનો ખુલાસો
ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) અને શહેર “એ” ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે.
પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડી ફરઝાન મઝુન વિમાદલાલ (ઉં.વ. ૧૮) ને ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના કોલેજના મિત્ર મોહંમદ અનસ સાદીક સૈયદ (રહે. વટવા, અમદાવાદ) સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું.
મુદ્દામાલ રિકવર અને કાયદેસરની કાર્યવાહી
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. આરોપીઓ સામે BNS ની કલમ ૩૦૫(a), ૩૩૧(૩), ૩૩૧(૪) અને ૬૧(૨)(a) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં LCB પી.આઈ. એમ.પી.વાળા, “એ” ડિવિઝન પી.આઈ. પી.જી.ચાવડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.




