
અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
મેઘરજના હીરાટિંબા ગામે જંગલ ખાતાની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ સામે વનવિભાગની કાર્યવાહી – હજુ પણ કેટલાક વિસ્તારમાં થઈ રહ્યું છે ગેરકાયદેસર ખનન.!!!
અરવલ્લી જિલ્લામાં ભૂ માફીયાઓ માથે અનેક રાજકીય નેતાઓના ચાર હાથ હોવાની વાતો વહેતી થઈ.જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ ગોર નિંદ્રામાં હોય તેવો ઘાટ..!!
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના હીરાટિંબા ગામે જંગલ ખાતાની જમીનમાં આવેલા તળાવમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના મશીનો દ્વારા ખોદકામ કરવામાં આવતું હોવાનું બહાર આવતા વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.જંગલ ખાતાના સર્વે નંબર ૩૭માં આવેલ તળાવમાં JCB મશીન દ્વારા માટી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. મહત્વનું છે કે મેઘરજ તાલુકો અરવલ્લી પર્વતમાળાના વિસ્તારમાં આવેલો હોવાથી પર્યાવરણ અને કુદરતી સંપત્તિની દૃષ્ટિએ આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.જંગલ ખાતાની ભુવાલ બીટમાં આવેલ સર્વે નંબરના તળાવમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની માહિતી મળતાં વનવિભાગ મેઘરજ તથા માલપુર તાલુકાના સ્ટાફ સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ખોદકામ માટે વનખાતાની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાનું સ્પષ્ટ થયું હતું.આ સમગ્ર મામલે વનવિભાગ દ્વારા ગેરકાયદેસર ખોદકામ બાબતે ચંદુભાઈ લેબાભાઈ મારીવાડ નામના ઇસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વનવિભાગે સ્પષ્ટ કરી જણાવ્યું છે કે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણને નુકસાન પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.







