
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
નખત્રાણાના દેશલપર (ગું) પંથકમાં બેંકના અભાવે ‘ડિજિટલ ઇન્ડિયા’ના દાવા પોકળ: ૨૨ કિમીના ધક્કાથી લોકો પરેશાન
નખત્રાણા,તા.3: સરકારના ‘ગામ ત્યાં બેંક’ના નિર્ધાર વચ્ચે નખત્રાણા તાલુકાનું દેશલપર (ગુંતલી) ગામ આજે પણ બેંકિંગ સુવિધાઓથી વંચિત હોતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશલપર (ગું) ગામ ભૌગોલિક રીતે આસપાસના અંદાજિત ૧૫ જેટલા નાના-મોટા ગામોનું કેન્દ્રસ્થાન ધરાવે છે તેમ છતાં અહીં બેંકની કોઈ શાખા ન હોવાને કારણે ૨૦૦૦થી વધુની વસ્તી અને પંથકના ખેડૂતોને બેંકના સામાન્ય કામકાજ માટે પણ છેક ૨૨ કિલોમીટર દૂર નખત્રાણા તાલુકા મથકે જવાની ફરજ પડી રહી છે. હાલના સમયમાં જ્યારે ગુજરાત રાજ્ય ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આવા અંતરિયાળ વિસ્તારમાં બેંકની સુવિધા ન હોવી તે ખેડૂતો અને પશુપાલકો માટે મુસીબત સમાન બની છે.
આ પ્રશ્ને પૂર્વ ઉપ સરપંચ પ્રવીણસિંહ સોઢાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને પાક ધિરાણ લેવા માટે નખત્રાણા જવું પડે છે જ્યાં વધુ ભીડ અને નેટવર્કની સમસ્યાને કારણે તેમને વારંવાર ખોટા ધક્કા ખાવા પડે છે. વધુમાં પશુપાલકોના દૂધનું પેમેન્ટ અને બોનસ સીધું બેંક ખાતામાં જમા થતું હોય છે, પરંતુ ગામમાં બેંક ન હોવાથી નાણાં ઉપાડવા માટે વૃદ્ધો અને મહિલાઓને મુશ્કેલી વેઠવી પડે છે. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને પોસ્ટ ઓફિસની સેવાઓ છે પરંતુ બેંકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને વિધવા સહાય જેવી સરકારી યોજનાઓના નાણાં મેળવવા માટે પણ છેક તાલુકા મથક સુધી લંબાવું પડે છે. જો દેશલપર (ગું) મધ્યે ત્વરિત બેંકની સુવિધા ઉપલબ્ધ કરાય તો આખા વિસ્તારના ૧૫ ગામોના લોકોને મોટી રાહત થાય તેમ છે તેવી પંથકના રહિશ દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



