બે બાળકોના પિતાને પરસ્ત્રી સાથે સંબંધ હોવાથી પત્નીને હેરાન કરતો હતો: અભયમની ટીમે સ્થળ પર જઈ સમાધાન કરાવ્યું
અન્ય મહિલાના મોહમાં અંધ બનેલા પતિને ‘અભયમે’ કાયદાનું ભાન કરાવ્યું

પંચમહાલ જિલ્લાના 
મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાની એક પરિણીતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, તેના પતિને છેલ્લા એક વર્ષથી અન્ય કોઈ મહિલા સાથે પ્રેમસંબંધ છે. જેના કારણે તે ઘરે પત્ની સાથે અસભ્ય વર્તન કરે છે અને બાળકોની જવાબદારી નિભાવતો નથી. પીડિતા પોતે કંપનીમાં મજૂરી કામ કરીને બે બાળકોનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેનો પતિ કમાતો હોવા છતાં ઘરખર્ચ માટે પૈસા આપતો ન હતો અને પોતાનો મોબાઈલ પત્નીને અડવા પણ દેતો ન હતો. આ બાબતે અગાઉ પિયર પક્ષ દ્વારા પણ સમજાવટના પ્રયાસો કરાયા હતા, પરંતુ પતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો.
પીડિતાની આજીજી સાંભળી હાલોલ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે પીડિતાના પતિનું કડક ભાષામાં કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતગાર કર્યો હતો. પોલીસ કાર્યવાહીની બીક અને પોતાની ભૂલનો અહેસાસ થતા પતિ નરમ પડ્યો હતો. તેણે પત્નીની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે લેખિતમાં બાહેધરી આપી હતી.
અંતે, પત્નીએ પણ બાળકોના ભવિષ્યનો વિચાર કરી આગળની કાયદેસરની કાર્યવાહી ન કરવાનું નક્કી કરતા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. મુશ્કેલીના સમયે ૧૮૧ની ટીમે વ્હારે આવી પરિવારને વિખેરાતો બચાવતા પીડિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.





