
લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો
*****
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત શ્રી મહાત્મા ગાંધી વિનયમંદિર, મલેકપુર ખાતે સાયબર સેફ્ટી, સેલ્ફ ડિફેન્સ અને SHE ટીમ વિશે જાગૃતિ સેમિનાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ શ્રી એચ.આર. પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાયબર સિક્યોરીટી, શિક્ષણ અને સેલ્ફ ડિફેન્સ તથા કાયદાકીય રક્ષણ વિષે કિશોરીઓને સભાન કારવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી માન. એચ.આર. પરમાર સાહેબે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કામગીરી વિશે જાણકારી આપી હતી, જ્યારે મહિલા અને બાળ અધિકારીએ વિભાગની કલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અને SHE ટીમ દ્વારા મહિલા સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સેલ્ફ ડિફેન્સ ટ્રેનર દ્વારા દીકરીઓને સ્વરક્ષણ માટેના જીવંત પ્રદર્શન (ડેમોન્સ્ટ્રેશન) આપી આત્મરક્ષણની તાલીમ અપાઈ હતી. સમાજ સુરક્ષા અધિકારીએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને કાયદાકીય પાસાઓ વિશે સમજૂતી આપી દીકરીઓને સશક્ત બનવા પ્રેરણા પૂરી પાડી હતી. ઉપરાંત પ્રસંગે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત IEC મટીરીયલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા, લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનના PSI, સાયબર પોલીસ અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




