GUJARATKUTCHNAKHATRANA

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ,નિરોણામાં ૧૧૨ વિદ્યાર્થીનીઓને આપાઇ આત્મ-રક્ષા તાલીમ.

વિધાર્થીઓને આત્મવિશ્વાસ અને આત્મબળમાં નોંધપાત્ર વધારો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૧ જાન્યુઆરી : વર્તમાન સમયમાં વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની આપત્તિ સામે આત્મ-સુરક્ષા મેળવી શકે અને નિર્ભય બની જીવન જીવી શકે તે ઉમદા હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે SPC તેમજ ધો. ૯ થી ૧૨ની વિદ્યાર્થીનીઓ માટે સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજના સમયમાં તરુણ વયની દીકરીઓ સાથે થતા અત્યાચાર, બળાત્કાર તેમજ શારીરિક અને માનસિક શોષણ જેવી ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આવી દુર્ઘટનાઓને અટકાવવા અને વિદ્યાર્થીનીઓને સ્વ-રક્ષણ માટે સજ્જ બનાવવા હાઇસ્કૂલના પ્રાંગણમાં કુલ ૧૧૨ વિદ્યાર્થીનીઓ માટે આ તાલીમ યોજાઈ હતી.સ્વ-રક્ષણની તાલીમ કોચ રાહુલભાઇ દ્વારા આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન શારીરિક અને માનસિક સ્વ-રક્ષણ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપયોગ કરતી વખતે કેવી રીતે સાવધ અને સચેત રહી પોતાની સુરક્ષા જાળવી શકાય તે અંગે પણ વર્તમાન સમયની જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. SPCની ૨૨ કેડેટ્સ તેમજ ધોરણ ૯ થી ૧૨ની અન્ય ૯૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આત્મબળ સાથે આત્મવિશ્વાસ કેળવ્યો હતો.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. વી. એમ. ચૌધરી સાહેબે સ્વ-રક્ષણના મહત્વ પર પ્રકાશ પાડી દિકરીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડેલ હતું. SPC- કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઇ જાનીએ આવી તાલીમ દીકરીઓમાં હિંમત અને આત્મવિશ્વાસ વધારવાની સાથે સંકટ સમયે કોઈપણ પરિસ્થિતિમાં આત્મરક્ષા માટે સક્ષમ બનાવશે તેમ જણાવ્યું હતું. આ તાલીમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરા, અલ્પાબેન ગોસ્વામી તેમજ અલ્પાબેન બુચિયાએ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!