ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા 23 ફેબ્રુઆરીએ યાત્રાનો પ્રારંભ કરાશે

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
“હરિદ્વારમાં માં ગંગાના ક્યારેય દર્શન ન કર્યાં હોય તેવા વડીલો માટે નિઃશુલ્ક દર્શનયાત્રા”
વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ના ધ્યેય ને વરેલી સંસ્થા ભારત વિકાસ પરિસદ થરાદમાં 15 વર્ષ કરતા વધુ સમય થી કાર્યરત છે. સંપર્ક, સહયોગ, સંસ્કાર , સેવા અને સમર્પણ એવા પાંચ સુત્રો સાથે કાર્ય કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા થરાદ તાલુકા માંથી ક્યારેય દર્શન ન કર્યાં હોય તેવા અલગ અલગ સમાજના 65 થી વધુ અશક્ત વડીલોને હરિદ્વારમાં માં ગંગાના દર્શન માટે દાતાઓના સહયોગથી 23 ફેબ્રુઆરીએ સોમવારથી યાત્રાનો પ્રારંભ કરાશે.
આ નિઃશુલ્ક હરિદ્વાર યાત્રામાં વડીલોને પ્લેન દ્વારા તેમજ રીટનમાં રાજધાની A.C ટ્રેન દ્વારા પ્રવાસનું આયોજન કરાયું છે. આ યાત્રા પ્રવાસ્ તારીખ 23 ફેબ્રુઆરીએ સવારે 07:30 થી યાત્રામાં આવનાર તમામ વડીલોનું તિલક કરીને સન્માન પૂર્વક લગઝરી બસ દ્વારા અમદાવાદ એરપોર્ટ લઇ જવાનું નિર્ધારિત કરાયુ છે. આ યાત્રા પ્રવાસ માં જોડાયેલ તમામ લાભાર્થી નું ચામુંડા માતા મંદિર, માધવ નગર, થરાદ ખાતે થરાદ ના જાણીતા ફીઝીસીયન ડૉ. દિનેશભાઈ ચૌહાણ(માધવ હોસ્પિટલ થરાદ) દ્વારા “ ફી ” મેડીકલ ચેકઅપ તેમજ યશ લેબોરેટરી ( જે.પી .જોષી) દ્વારા કમ્પ્લેટ બ્લડ કાઉન્ટ , ડાયાબીટીસની તેમજ બ્લડ ગ્રૂપ ની “ ફી ” તપાસ કરી આપવામાં આવી અને યાત્રા પ્રવાસ માં જોડાયેલ તમામ વડીલોના પરિવાર જનોની હાજરીમાં સંમતિ પત્રક ભરવામાં આવ્યુ.
આ નિઃશુલ્ક “ હરિદ્વાર દર્શનયાત્રા ” ના પ્રવાસ પહેલા લાભાર્થી તેમજ ભારત વિકાસ પરિષદ ના તમામ સભ્યોના પરિવાર જનોની હાજરીમાં દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે.
આ યાત્રાપ્રવાસ ને લઈને વડીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




