પંચકલાઓનુ ધામ એટલે નિરોણા ગામ: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે બન્યુ આકર્ષણનુ કેન્દ્ર.
"વોકલ ફોર લોકલ" ને સાર્થક કરતુ ભાતીગળ પંચકલા તીર્થ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૨ જાન્યુઆરી : દરીયો, ડુંગર અને રણના સુભગ સમન્વયથી સમૃદ્ધ કચ્છની ધરતી પર પાવરપટ્ટીનું મુખ્ય ગામ એટલે નિરોણા. “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” અને હવે “નિરોણા નહી દેખા તો કુછ નહી દેખા” એવી લોકપ્રિય ઉક્તિ આજે નિરોણાની વૈશ્વિક ઓળખ બની ચૂકી છે. દેશ અને વિદેશમાં નિરોણાની પરંપરાગત કલાઓ અત્યંત પ્રખ્યાત હોવાથી પ્રવાસીઓ આ ગામને “પંચ કલા તીર્થ” તરીકે ઓળખે છે. આ ગામને રોગાન કલા માટે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂકેલ છે. ગુજરાત ટુરિઝમ દ્વારા નિરોણા ગામે વિકસાવવામાં આવેલ ગ્રામ હાટનું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોત્તમ આહિરે જણાવ્યું હતું કે દર વર્ષે કચ્છમાં યોજાતા રણ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને નિરોણા ગામની પણ અચૂક મુલાકાત લે છે. વર્તમાન સીઝનમાં માત્ર એક મહિનામાં જ અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ પ્રવાસીઓએ નિરોણા ગ્રામ હાટની મુલાકાત લઈ હસ્તકલા વસ્તુઓની ખરીદી કરી તેમજ કલાઓ અંગે માહિતી મેળવી છે.નિરોણા ગ્રામ હાટની વિશેષતા એ છે કે અહીં કોપર બેલ, લાખ કળા, ભરતકામ, મડવર્ક, વણાટ કલા, રોગાન કલા, મૂર્તિ કલા, ચર્મ કલા, કાષ્ઠ કલા જેવી અનેક પરંપરાગત કલાઓના નમૂનાઓ સાથે કારીગરોને લાઇવ કલા સર્જન કરતા જોઈ શકાય છે. આ તમામ કલાઓમાં કારીગરોની અવિરત મહેનત અને કુશળતા ઝલકે છે તથા ખાસ કરીને વિજળી વિના પરંપરાગત રીતોથી આ કલાઓ તૈયાર થતી જોવી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ છે.ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો નિરોણા આવે છે. કચ્છના વતનથી દૂર વસતા લોકો પણ એક વખત વતનમાં આવીને નિરોણા ગ્રામ હાટની અચૂક મુલાકાત લે છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓ, સજ્જનો, ક્રિકેટરો તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો પણ આ ગ્રામ હાટની મુલાકાત લઈ ચૂક્યા છે.રમણીય અને શાંતિપ્રિય વાતાવરણ વચ્ચે નિર્મિત નિરોણા ગ્રામ હાટમાં લાઇટની સુવિધા, સીસી ટીવી કેમેરા, શાંતિમય માહોલ અને વિશાળ પાર્કિંગ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી પ્રવાસીઓ આરામથી રહી તમામ કલાઓ જોઈ, જાણી અને માણી શકે છે. ગયા વર્ષે પણ સીઝન દરમિયાન ૫૦૦૦થી વધુ લોકોએ ગ્રામ હાટની મુલાકાત લીધેલ હતી. વધુ માહિતી માટે સરપંચ શ્રી એન.ટી. આહીરનો મોબાઇલ નંબર 98794 66400 પર સંપર્ક કરવા જણાવાયું છે.







