
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા- ૧૪ જાન્યુઆરી : માંડવીની શેઠશ્રી પુરુષોત્તમ કાનજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં સ્વામી વિવેકાનંદજીની ૧૬૪મી જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ માંડવીના પ્રમુખ પ્રજ્ઞાબેન પોપટ દ્વારા શાબ્દિક સ્વાગત અને પ્રસંગ પરિચય આપવામાં આવ્યો હતો જ્યારે જયાબેન ગણાત્રાએ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું હતું. છાત્રાલયની વિદ્યાર્થીનીઓ મૈત્રીબેન દાફડા અને રવિનાબેન નાયકાએ સ્વામીજીના જીવનથી લઈ યુવા નેતૃત્વ સુધીની સફર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.શેઠ શૂરજી વલ્લભદાસ કોલેજના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તિતિક્ષાબેન ઠક્કરએ સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગો દ્વારા યુવાનોને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે સ્વામીજીની અદભૂત એકાગ્રતા અને વાંચન પ્રત્યેની રુચિ જ તેમની સફળતાનું મૂળ હતી. વધુમાં તેમણે શિકાગો વિશ્વ ધર્મ પરિષદનો ઉલ્લેખ કરી સમજાવ્યું હતું કે હિન્દુ ધર્મ એ તમામ ધર્મોનો મજબૂત પાયો છે. તેમણે આજના યુવાનોને આહવાન કર્યું હતું કે જો યુવા પેઢી એકાગ્રતાથી જ્ઞાન મેળવશે તો ચોક્કસપણે ભવિષ્યમાં દેશના નેતૃત્વ માટે સજ્જ બનશે કારણ કે સમાજ અને સંસદ આજે પણ તેજસ્વી યુવા નેતૃત્વની રાહ જોઈ રહ્યા છે.આ કાર્યક્રમમાં સહભાગીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. વિશેષમાં મેહુલભાઈ કોટકના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારના ધારાબેન, ક્રિશાબેન અને શાન્વીબેનના હસ્તે તમામ કન્યાઓને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું. લોહાણા કન્યા છાત્રાલયના પ્રમુખ દક્ષાબેન સચદે અને ટ્રસ્ટી ભદ્રાબેન ગણાત્રા તથા ક્લબના ઉપપ્રમુખ જૈમીનીબેન કોટક હાજર રહ્યા હતા. અંતમાં છાત્રાલયના ગૃહમાતા લક્ષ્મીબેન વેદાંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.









