MORBI:પીએમ કિસાન યોજના સહિત સરકારી યોજનાઓના લાભ લેવા ‘ફાર્મર આઈડી’ (યુનિક ફાર્મર આઈડી) બનાવવું ફરજિયાત

MORBI:પીએમ કિસાન યોજના સહિત સરકારી યોજનાઓના લાભ લેવા ‘ફાર્મર આઈડી’ (યુનિક ફાર્મર આઈડી) બનાવવું ફરજિયાત
ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાવેલ ખેડૂતોનો પીએમ કિસાન યોજનાના ૨૨ માં હપ્તાનો લાભ અટકી શેક છે; સત્વરે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ
ભારત સરકારના ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ ૧૧ આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ થી તમામ ખેડૂત ખાતેદારોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિ લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સીધો, પારદર્શક અને સમયસર મળે તે માટે આ આઈડી ખૂબ જ જરૂરી છે. વિશેષ કરીને, ભારત સરકાર દ્વારા PM-KISAN યોજનાનો આગામી ૨૨મો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ખેડૂત મિત્રો જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને અથવા ખેડૂત પોતે પણ પોતાના મોબાઈલ દ્વારા gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈ સેલ્ફ-રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, આધાર સાથે લિન્ક થયેલો મોબાઈલ નંબર, જમીનની વિગતો (૭/૧૨ અને ૮-અ ના ઉતારા)સહિતના દસ્તાવેજો સાથે રાખવાના જરૂરી છે.
જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાય કે હપ્તા મેળવવામાં અડચણ ન આવે તે માટે વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.







