ચોટીલા ડિમોલેશની કાર્યવાહી સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવનાર દબાણ કર્તાઓને હાઇકોર્ટે 39 દબાણ કર્તાઓની 17 પિટિશન ફગાવી

તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલેશનની કામગીરીમાં મોટી સફળતા મળી છે ચોટીલા સબ ડિવિઝન હેઠળના ડુંગર તળેટી વિસ્તારમાં તારીખ ૧૧/૦૧/૨૦૨૬ થી શરૂ થયેલી આ ઝુંબેશમાં ૪૦૦ થી વધુ દબાણકર્તાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે તંત્રની તપાસમાં બહાર આવ્યું હતું કે તળેટી વિસ્તારમાં અસામાજીક અને માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હતા ૪૦ ફૂટની પહોળાઈ ધરાવતો મુખ્ય રસ્તો દબાણોને કારણે માત્ર ૨૦ ફૂટનો રહી ગયો હતો જેના કારણે અહીં સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી આટલું જ નહીં અમુક તત્વો આ ગેરકાયદે જગ્યાઓ પર ભાડા પણ ઉઘરાવતા હોવાનું સામે આવ્યું હતું નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મોટા પાયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે આ કાર્યવાહીને અટકાવવા માટે ૩૯ જેટલા દબાણકર્તાઓ દ્વારા નામદાર હાઇકોર્ટમાં કુલ ૧૭ અલગ અલગ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી જોકે નામદાર હાઇકોર્ટે આ બાબતની ગંભીરતા અને જાહેર હિતને ધ્યાને રાખીને એકપણ દબાણ કર્તાને રાહત આપી નથી અને તમામ પિટિશન ડિસ્પોઝ કરી નાખી હોવાનું નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.




