
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, તા-૨૨ જાન્યુઆરી : સનરાઈઝ એકેડમી- ભુજ દ્વારા હિલ ગાર્ડન મધ્યે વાર્ષિક રમતોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમનો ભવ્ય આરંભ વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને સંગીતમય પરેડ તેમજ ઉપસ્થિત મહેમાનો, વાલીગણ અને ખેલાડીઓના ઉષ્માભેર શાબ્દિક સ્વાગત દ્વારા કરાયેલ હતો.આ રમતોત્સવમાં નર્સરી, એલ.કે.જી., યુ.કે.જી. તેમજ ધોરણ ૧ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. જુદી જુદી રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરાયેલ હતા.આ પ્રસંગે આદરણીય પ્રેસિડેન્ટ શ્રી નાદિરભાઈ દામાણી દ્વારા ધોરણ ૮ની વિદ્યાર્થીની ધ્યાની જાનીને સમગ્ર વર્ષ દરમિયાન કરેલ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રગતિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા તથા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યાની સિદ્ધિઓ બદલ “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં સેક્રેટરી શ્રી શદરૂદીનભાઈ ખોજા તેમજ ટ્રસ્ટીશ્રીઓ શ્રી મુસ્તાકભાઈ મોરાણી, શ્રી નિઝારભાઈ રામાણી, શ્રીમતી શાયદાબેન દામાણી અને શ્રીમતી મુમતાઝબેન સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના સી.ઈ.ઓ નુરખાનમ ધનાણીબેન દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.આ સમગ્ર રમતોત્સવને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીગણોએ ઉત્સાહપૂર્વક માણ્યો હતો. સમગ્ર રમતોત્સવનું સંચાલન શાળાના આચાર્યા ભારતીબેન પરમારના માર્ગદર્શન હેઠળ કરાયેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી.




