BHUJGUJARATKUTCH

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છના પ્રથમ ખાનગી રેડિયો “માય એફ”નો પ્રારંભ કરાવ્યો

ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં નવી ઊર્જા સાથે ફરી બેઠા થયેલા કચ્છના વિકાસ અને પુનર્નિર્માણમાં કચ્છીમાડુઓની સહયોગ શક્તિ વિશ્વ માટે પ્રેરણારૂપ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

વડાપ્રધાનશ્રીએ રેડિયોને વિકાસના માધ્યમ તરીકે પસંદ કરી અનેક અભિયાનોને ‘મન કી બાત’ના માધ્યમથી જન ચળવળમાં પરિવર્તિત કર્યા.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લાં એક દશકમાં ડિજિટલ ભારત અંતર્ગત થયેલી ટેક ક્રાંતિમાં રેડિયો અને એફએમને નવા રૂપરંગ પ્રાપ્ત થયા છે.

ભુજ ,તા-૨૫ જાન્યુઆરી :  ભુજ સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે ભાસ્કર જૂથના કચ્છના પ્રથમ ખાનગી રેડિયો સ્ટેશન “માય એફ” નો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો.આ તકે મુખ્યમંત્રીશ્રીએ કચ્છ પ્રદેશમાં દૈનિક ભાસ્કર જૂથના નવા FM રેડિયો સ્ટેશનના પ્રારંભને સંચાર ક્ષેત્રનો એક નવો અધ્યાય શરૂ થયાની લાગણી વ્યકત કરતા જણાવતા હતું કે, કચ્છ સંસ્કૃતિ, સંકલ્પ, સંઘર્ષ, સ્વાભિમાન અને સમૃદ્ધિનું પ્રતિક છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી ઊર્જા સાથે ફરી બેઠા થયેલા કચ્છના વિકાસ અને પુનર્નિર્માણમાં કચ્છી માડુઓની સહયોગ શક્તિ આખા વિશ્વ માટે પ્રેરણારૂપ છે.મુખ્યમંત્રીશ્રીએ FM રેડિયો સ્ટેશનને કચ્છના વિકાસગાથાની વધુ એક સિદ્ધિ ગણાવતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ રેડિયોને વિકાસના માધ્યમ તરીકે પસંદ કરીને વિકાસના દરેક આયામોને જનજન સુધી લઈ જવા સાથે ‘મન કી બાત’ના માધ્યમથી તેઓ ખુદ દરેક દેશવાસીઓ સાથે જોડાયા છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત અભિયાન હોય, કેચ ધ રેઈન, એક પેડ માં કે નામ એવા અનેક અભિયાનોને ‘મન કી બાત’ ના માધ્યમથી જન ચળવળ બનાવ્યા છે.વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લાં એક દશકમાં ડિજિટલ ભારત અંતર્ગત થયેલી ટેક ક્રાંતિમાં રેડિયો અને ખાસ કરીને એફએમને નવા રૂપરંગ પ્રાપ્ત થયા હોવાનું જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રેડિયો સાથે દરેક પેઢીના શ્રોતાનો અતૂટ સંબંધ છે, રેડિયો ઓછા ખર્ચે, સ્થાનિક ભાષામાં પ્રચાર-પ્રસારનું વિશ્વસનીય માધ્યમ હોવાથી વિકાસના વિઝનમાં ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારના લોકોને સહભાગી બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ આ માધ્યમ પસંદ કર્યું છે.આજે દેશના સૌથી મોટા ડીટીએચ પ્લેટફોર્મ ડીડી ફ્રી ડીશની સેવા 4 કરોડ 30 લાખ ઘરો સુધી પહોંચ હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રેડિયોને જ્ઞાન, મનોરંજન આપવા સાથે જનજાગૃતિથી માંડીને સશક્તિકરણ સુધીના વિકાસનું સેતુ ગણાવ્યું હતું. વધુમાં તેમણે ડિજિટલ ભારતમાં રેડિયોને સશક્ત માધ્યમ હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, આજે વિશ્વની દરેક રિયલ ટાઈમ માહિતી ઘર-ઘર તથા સરહદો સુધી પહોંચાડવાના મૂળમાં ડિજીટલ ક્રાંતિ છે. આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ ડી.ટી.એચ. ચેનલો પર શૈક્ષણિક અભ્યાસક્રમો ઉપલબ્ધ હોવા સાથે યુનિવર્સિટીઝના પોતાના FM સ્ટેશન હોવાથી જ્ઞાન વિદ્યાર્થીઓના ઘર સુધી સીધું પહોંચ્યું છે. કોરોનાના સમયગાળા દરમિયાન દેશના કરોડો વિદ્યાર્થીઓને આનાથી ઘણી મદદ મળી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. કચ્છમાં FM જાગૃતિ-પ્રગતિના નવા સોપાન સર કરવા સાથે રણ, સીમાવર્તી અને દરિયાકાંઠાના વિસ્તારો સુધી માહિતી પહોંચાડવાનું વિશ્વસનીય અને અસરકારક માધ્યમ બનશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. આ સાથે તેમણે FM રેડિયો ચેનલ કચ્છની લોકસંસ્કૃતિ, કલાકારો અને પરંપરાગત વ્યવસાયોને પ્રોત્સાહન આપવા સાથે સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ઘરઘર સુધી પહોંચાડીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.ટેકનોલોજી અને સંચાર માધ્યમો લોકહિત માટે કામ કરે તેવી રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ આ FM રેડિયો સ્ટેશન પણ એજ નીતિ આધારે કાર્ય કરી 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવા વિકાસ અને વિશ્વાસનો સેતુ બની વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે સહયોગી બનશે તેવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.આ પ્રસંગે રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઇ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુધ્ધભાઇ દવે, શ્રી માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલ આચાર્ય, દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર શ્રી દેવેન્દ્ર ભટ્ટનાગર, માય એફએમના સીઈઓ રાહુલ નામજોશી સહિતના અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!