કાલોલ સહિત જિલ્લાના કુલ ૭૧ તાલુકાના ગામોમાં બાળ વિવાહ મુક્તિ રથ ભ્રમણ કરીને જનજાગૃતિ ફેલાવશે.

તારીખ ૩૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં બાળલગ્નોની બદીને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિશેષ રથનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા કલેક્ટર અજય દહિયાએ લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે “બાળ વિવાહ મુક્તિ રથ”નું પ્રસ્થાન કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પુરુષ માટે ૨૧ વર્ષ અને મહિલા માટે ૧૮ વર્ષથી ઓછી ઉંમરે થતા લગ્ન એ કાયદેસરનો અપરાધ છે. આ જાગૃતિ અભિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલના વિવિધ ગામોમાં જઈને લોકોને આ કુપ્રથા વિરુદ્ધ જાગૃત કરવાનો છે.વધુમાં જિલ્લા કલેક્ટરએ ઉમેરતા જણાવ્યું હતું કે,જિલ્લામાં નાની ઉંમરે લગ્ન અને તેના કારણે થતી પ્રેગ્નન્સીના કિસ્સાઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાને રાખીને આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી બે અઠવાડિયા સુધી આ રથ ગામડે ગામડે ફરીને માઈક અને પેમ્પ્લેટ વિતરણ દ્વારા ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે. આમ,તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સઘન પ્રયાસોના માધ્યમથી જિલ્લામાં બાળ લગ્નના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ. એ. કાપડિયાએ પણ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ વિશેષ રથનું આયોજન કરવામાં આવ્યું છે.આ ‘બાળ વિવાહ મુક્તિ રથ’નું આયોજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (USA) દ્વારા કરવામાં આવ્યું છે.જે અન્વયે પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના કુલ ૭૧ ગામોમાં આ રથ ભ્રમણ કરીને જનજાગૃતિ ફેલાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,બાળલગ્નને કારણે બાળકોના રક્ષણ, સહભાગિતા અને તેમના સર્વાંગી વિકાસના અધિકારોનો ભંગ થાય છે. આથી પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બાળલગ્ન અટકાવવાની આ કામગીરીમાં સહયોગ આપે અને જિલ્લાને બાળલગ્ન મુક્ત બનાવવા સહભાગી બને. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પુષ્પેન્દ્ર સોલંકી, મહિલા અને બાળ અધિકારી,પોલીસ વિભાગ ,આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.








