
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ‘ડાંગ સ્વરાજ આશ્રમ’ માં ૧૫ વર્ષીય આદિવાસી બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.આ ગંભીર મામલે ડાંગ જિલ્લાનાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને લેખિત આવેદનપત્ર પાઠવી ગુનેગારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આહવા સ્થિત આશ્રમમાં રહેતી એક સગીર આદિવાસી બાળકી સાથે થયેલા આ દુષ્કર્મ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પહેલેથી જ POCSO (પોકસો) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ડાંગ મુસ્લિમ સમાજે આ ઘટનાને માત્ર એક બાળકી પરનો ગુનો નહીં, પરંતુ સામાજિક સુરક્ષા અને આશ્રમ જેવી પવિત્ર સંસ્થાઓ પરના વિશ્વાસ પર સીધો હુમલો ગણાવ્યો છે.મુસ્લિમ સમાજ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આરોપીઓ સામે પોકસો એક્ટની કડક કલમો હેઠળ ઝડપી અને સખત કાર્યવાહી કરવામાં આવે, આશ્રમના સંચાલન માટે જવાબદાર વ્યક્તિઓ સામે પણ તાત્કાલિક કાયદેસરના પગલાં લેવામાં આવે,પીડિત બાળકી અને તેના પરિવારને સંપૂર્ણ સુરક્ષા, યોગ્ય સારવાર અને ન્યાય મળે તેની ખાતરી કરવામાં આવે, ડાંગ જિલ્લામાં કાર્યરત તમામ આશ્રમોની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે,ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક દેખરેખ તંત્ર ગોઠવવામાં આવે – જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, બાળકોની સુરક્ષા માટે જવાબદાર સંસ્થામાં જ આવી ઘટના બને તે અત્યંત ચિંતાજનક અને શરમજનક છે. જાગૃત નાગરિકો તરીકે મુસ્લિમ સમાજે આશા વ્યક્ત કરી છે કે તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરી પીડિત બાળકીને ન્યાય અપાવશે..





