
અરવલ્લી
અહેવાલ હિતેન્દ્ર પટેલ
મોડાસા : મિલ્કતની અદાવતમાં મોટા ભાઈએ નાના ભાઈની નિર્દય હત્યા, ટાઉન પોલીસે હત્યારાને ઝડપ્યો – બે વર્ષના પુત્રે પિતૃછાંયા ગુમાવી, પત્નીનો સુહાગ ઉજળતા હૈયાફાટ રુદન
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી પુરષોત્તમ નગર સોસાયટીમાં રાત્રીના સમયે મિલ્કત અને નોકરીના મુદ્દે થયેલા પારિવારિક ઝગડાએ લોહિયાળ રૂપ ધારણ કરતાં મોટા ભાઈએ નાના ભાઈની નિર્દય રીતે હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મેળવેલી માહિતી મુજબ, પુરષોત્તમ નગર સોસાયટીમાં એક જ ઘરમાં સહિયારા પરિવારમાં રહેતા રોહિત ઈશ્વરભાઈ રાઠોડ અને તેમના મોટા ભાઈ યોગેશ ઈશ્વર રાઠોડ વચ્ચે મિલ્કતના હિસ્સા અને નોકરીને લઈને લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી. રાત્રીના સુમારે આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં ઝનૂની સ્વભાવ ધરાવતા મોટા ભાઈ યોગેશે ગુસ્સામાં આવી નાના ભાઈ રોહિતને છાતીના ભાગે લાત મારી જમીન પર પછાડી દીધો હતો.પછી આરોપી યોગેશે નાના ભાઈનું ગળું દબાવી નિર્દય રીતે હત્યા કરી નાખી હતી. ઘટના સમયે પરિવારજનોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તબક્કે રોહિતનું મોત નિપજ્યું હતું. નાના ભાઈની હત્યા થતાં પરિવારમાં કરૂણ રુદન શરૂ થયું હતું, અને આજુબાજુના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.હત્યાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં મૃતક રોહિત પાછળ બે વર્ષનો નાનકડો પુત્ર અને પત્ની નિરાધાર બની જતા સમગ્ર દ્રશ્ય હૃદયદ્રાવક બન્યું હતું. પત્નીનો સુહાગ ઉજળતા અને બાળકને પિતૃછાંયા ગુમાવતા સૌની આંખો ભીની થઈ ગઈ હતી.આ સમગ્ર મામલે મોડાસા ટાઉન પીઆઈ ડી.બી. વાળા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યોગેશ ઈશ્વર રાઠોડને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી સાથે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





