*હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરાઇ*

*હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરાઇ*
**
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સંસ્થાના વડાશ્રીઓ અને તબીબી નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત જનમેદનીને કેન્સર જેવા ગંભીર રોગના લક્ષણો, તેના કારણો અને બચાવના ઉપાયો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર કેન્સર સામે લડી રહેલા ત્રણ દર્દીઓ રહ્યા હતા, જેમણે મંચ પર આવીને પોતાના અનુભવો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. આ દર્દીઓએ તેમની સારવારની સફર વિશે વાત કરતા અન્ય લોકોને હિંમત આપી હતી અને જણાવ્યું હતું કે સકારાત્મક અભિગમ અને સમયસરની સારવાર જંગ જીતવા માટે અનિવાર્ય છે. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર જાગૃતિને લગતી સુંદર અને અર્થસભર રંગોળીઓ પણ તૈયાર કરવામાં આવી હતી, જેના દ્વારા “કેન્સરને સાથે મળીને મ્હાત આપીએ” એવો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડીન ડો. રાજેશ અસ્તિક, મેડિકલ સુપરીટેન્ડન્ટ ડો. આશિષ કટારકર, આસિસ્ટન્ટ મેડિકલ સુપરીટેન્ડન્ટ ડો. પરેશ સિલાદ્રી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડો. હિના શાહ, હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા




