નવસારી જિલ્લાના રાનકુવા ઘેરિયા સર્કલ પર ટ્રાફિક ની સમસ્યા બની વિકરાળ,તંત્રની ઘોર બેદરકારીથી જનતા પરેશાન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ઘેરિયા સર્કલ પર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની રહી છે. કિલોમીટરો લાંબી વાહનોની કતારોને કારણે સ્થાનિક રહીશો અને સાંજે નોકરી-ધંધાથી ઘરે પરત ફરતા નોકરિયાત વર્ગ માટે આ માર્ગ ‘માથાનો દુખાવો’ બની ગયો છે.
ટ્રાફિકની ગંભીરતા એટલી હદે વધી ગઈ છે કે જો કોઈ એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી વાહન આ જામમાં ફસાય, તો કોઈ નિર્દોષનો જીવ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. જનતાના જીવના જોખમે સર્જાતી આ સ્થિતિ સામે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બનીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. તંત્રની બેવડી નીતિ સામે સવાલો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જ્યારે કોઈ રાજકીય નેતા કે મંત્રી આ માર્ગ પરથી પસાર થવાના હોય, ત્યારે કલાકો અગાઉથી રસ્તો ખાલી કરાવી ટ્રાફિકને નાથવા આખું તંત્ર દોડતું થઈ જાય છે. તો પછી સામાન્ય જનતા રોજ જે યાતના ભોગવી રહી છે, તેના ઉકેલ માટે તંત્ર પાસે સમય કે આયોજન કેમ નથી? સામાન્ય જનતા હવે ત્રાહિમામ પોકારી ઉઠી છે અને એક જ સવાલ પૂછી રહી છે: “શું કોઈ મોટી દુર્ઘટના ઘટ્યા પછી જ તંત્ર જાગશે?” રાનકુવા ઘેરિયા સર્કલ પર ટ્રાફિકની આ કાયમી સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે, તેની વાટ હવે લોકો જોઈ રહ્યા છે.



