
નર્મદા : બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સીટી રાજપીપલા ખાતે માર્ગ સલામતી જાગૃતિ સેમિનારનું આયોજન
સેમિનાર દરમિયાન ક્વિઝ સ્પર્ધા યોજાઈ, વિજેતા વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આજરોજ બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપલા ખાતે માર્ગ સલામતી વિષયક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના મહત્વપૂર્ણ નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, ઝેબ્રા ક્રોસિંગનો યોગ્ય ઉપયોગ, ઓવર સ્પીડિંગથી બચવું તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યા વગર વાહન ચલાવવાની સમજ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં રસ અને જાગૃતિ વધે તે હેતુથી માર્ગ સલામતી વિષયક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં સફળ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ તરીકે હેલ્મેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર એસ.એ. પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત “રાહવીર યોજના” વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળે તે માટે રાહવીર યોજનાની ભૂમિકા અને તેના લાભો વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં કોઈપણ અકસ્માત સમયે વિદ્યાર્થીઓ સમાજમાં જવાબદાર નાગરિક તરીકે મદદરૂપ બની શકે છે.
કાર્યક્રમના અંતે માર્ગ સલામતી સંબંધિત પેમ્પ્લેટ્સનું વિતરણ કરીને માર્ગ સલામતીનો સંદેશ વધુ વ્યાપક રીતે ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.





