
સમાચાર સંખ્યા:-૧૨૫-જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ 2026ના મેળા ને ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સાધુ સંતો અને સંસ્થાઓના સંકલનમાં કાર્ય કરી રહ્યું છે: પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા
૦૦૦
વર્ષ 2026નો મેળો મીની કુંભમેળા તરીકે સ્થાપિત થશે
૦૦૦

જે રીતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ તે જ રીતે મહાશિવરાત્રીના મેળાના પર્વ અને પરંપરાઓ ઉજવાશે:પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઇ વાજા
૦૦૦
ભાવિકોની તમામ વ્યવસ્થા માટે સરકાર- -વહીવટી તંત્ર કટિબદ્ધ છે: સાધુ સંતોના આશીર્વાદથી મેળાને ભવ્ય કરવો છે: સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા
૦૦૦
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી શ્રી સુબોધ ઓડેદરાએ મહાશિવરાત્રી મેળામાં વિશેષ આયોજન સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીની મંત્રીશ્રીઓ અને સાધુ સંતોને માહિતી આપી
૦૦૦
મિટિંગમાં મહત્વનો નિર્ણય: અન્ન ક્ષેત્રો -ઉતારા મંડળનો માલ સામાન સવારે પાંચથી નવ વાગ્યા સુધી લાવી શકાશે
૦૦૦
તા.૧૧ મી એ સવારે ભવનાથ મંદિરે ધજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળા નો પ્રારંભ અને તે જ દિવસે સાંજે સાત કલાકે ભવ્ય ડમરૂ યાત્રા મહા આરતી અને ધર્મસભાનું આયોજન: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે
૦૦૦
“મેળામાં પ્રથમ વખત પાર્કિંગમાં દિવ્યાંગો માટે વાહનો મુકાશે: દિવ્યાંગોની સહાયતા માટે સરકારી કર્મચારીઓને ફરજ સોંપાશે-પગપાળા રસ્તામાં ઇજાગ્રસ્ત કે અશક્ત- મદદની જરૂર છે તેવા ભાવીકોને પોલીસ પણ મદદ કરશે
૦૦૦
મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્રનો પૂરી નિષ્ઠાથી સેવા કરવાનો ઉદ્દેશ-સાધુ સંતો અને સંસ્થાઓના સૂચનો સ્વીકારી લેવાતા તમામે તંત્રનો આભાર માન્યો
૦૦૦
જુનાગઢ તા.૭ સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિક સમાન મહાશિવરાત્રીના મેળાની ગરિમા ,ભવ્યતા અને દિવ્યતાને ઉંચે લઈ જઈને સાધુ સંતો અને સંસ્થાઓને સાથે રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વર્ષ 2026 નો મહાશિવરાત્રીનો જુનાગઢ નો મેળો ભવ્ય બનવા જઈ રહ્યો છે.
આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજનારા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ની સાધુ સંતોને તેમજ સંસ્થાઓને જાણકારી અને તૈયારીઓની સમીક્ષા માટે આજે શિક્ષણ મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને અને સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા ના સહધ્યક્ષ સ્થાને જુનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક કેન્દ્રોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ તાજેતરમાં યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સ્વાભિમાન પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવાયો અને લોકોનો વ્યાપક આવકાર મળ્યો તે જ રીતે મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે સ્થાપિત થશે. મહાશિવરાત્રી મેળામાં ભાવિકો સારી રીતે મેળો કરી શકે અને વિવિધ સગવડતા સચવાય એ રીતે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે .મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં મેળામાં રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે સાધુ સંતોના આશીર્વાદથી મેળામાં ભવ્યતા અને દિવ્યતા સાથે વિવિધ સગવડો અને સુવિધા મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. સૌના સહકાર અને સૌના પ્રયાસથી મહાશિવરાત્રીનો આ મેળો ખૂબ જ સારી રીતે ઉજવાશે. મેળામાં લોકોને મદદ મળી રહે તે માટે વિવિધ કમિટી હેલ્પ લાઈન તેમજ પાયાની સુવિધા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ છેલ્લા બે મહિનાથી વહીવટી તંત્ર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે કરવામાં આવી રહેલી કામગીરી ,ગિરનાર દરવાજા થી છેક ભવનાથ મંદિર અને રવેડીનો રુટ અલગ અલગ આશ્રમો તેના વિસ્તારો, પાયાની સુવિધા ,કોમ્યુનિકેશન, સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક મેનેજમેન્ટ સહિત નાનામાં નાની બાબતનું નિરીક્ષણ કરીને માઈક્રો પ્લાનિંગ કરીને ભાવિકોની સેવાને કેન્દ્રમાં રાખીને આયોજન કર્યું છે તેની રૂપરેખા પ્રેઝન્ટેશનથી આપી હતી.
આ વખતે મહાશિવરાત્રીનો મેળાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે અને ગિરનાર દરવાજાથી અંદાજે સાડા ત્રણ કિલોમીટર સુધી રોડ પર ભાવિકોને પીવાનુ પાણી છાશ મળી રહે અને મેળો માણી શકે તે માટે સુશોભન સહિતની તૈયારી કરવામાં આવી છે. મેળો કરવા આવનાર ભાવિકો માટે બસનું પાર્કિંગ વાઘેશ્વરી મંદિર ગિરનાર દરવાજા પાસે પાર્કિંગ રાખવામાં આવ્યું છે અને અન્ય ૨૦થી વધુ પાર્કિંગ જુદા જુદા વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. ફરજ પરના કર્મચારીઓને મેળામાં જવા માટે સેન્ટ્રલી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દરેક પાર્કિંગમાં દિવ્યાંગો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીઓને આ માટે ફરજ સોંપવામાં આવી છે આ ઉપરાંત રસ્તામાં અસક્ત ને મદદની જરૂર પડે તેવા ભાવિકો માટે પોલીસ પણ મદદ કરશે.
રવેડીનો રૂટ 500 મીટર વધારવામાં આવતા આ વિસ્તારમાં રોડની બંને સાઈડ ભાવિકો વધુ સારી રીતે રવેડીના દર્શન કરી શકશે .આ ઉપરાંત રવેડીમાં બિનજરૂરી લોકો રવેડીમાં ન રહે તે માટે અગાઉથી આઇડેન્ટિફિકેશન કરવામાં આવશે. ભવનાથમાં રહેતા તેમજ ત્યાં વ્યવસાય કરતાં લોકોને અવર-જવરમાં મુશ્કેલી ના પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. દૂધ પાણી સહિત આવશ્યક વસ્તુઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે દૂધના 17 કેન્દ્રો તેમજ પીવાના પાણીના 140 પોઈન્ટ ઊભા કરવામાં આવશે. સાધુ સંતોમાં ને સરળતાથી એન્ટ્રી મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
ભાવિકોને ભોજન આપતી સંસ્થાઓ અનક્ષેત્રો ઉતારા આશ્રમો તમામ માટે વહીવટી તંત્રએ સૂચન મુજબ મહત્વનો નિર્ણય લીધો છે અગાઉ રાત્રીના ૧ થી સવારના ૫ વાગ્યા સુધી માલ સામાનની એન્ટ્રી હતી તેમાં જરૂર મુજબ સુધારો કરવા સૂચન સ્વીકારી તેમાં ફેરફાર કરી હવે સવારના ૫ થી સવાર ૯ વાગ્યા સુધી એન્ટ્રી ચાલુ રહેશે.
તા.૧૧ મી એ સવારે ભવનાથ મંદિરે ધજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળા નો પ્રારંભ અને તે જ દિવસે સાંજે સાત કલાકે ભવ્ય ડમરૂ યાત્રા મહા આરતી અને ધર્મસભાનું આયોજન છે.જેમા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. ડમરું યાત્રામાં સાધુ સંતો નું સ્વાગત કરાશે.
મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આજની બેઠકમાં શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી ભારદ્વાજ ગીરીબાપુ, શ્રી મહાદેવ ગીરીબાપુ, શ્રી શૈલજા દેવીજી, શ્રી રાણા બાપુ, શ્રી સોમનાથ બાપુ, શ્રી કિશનદાસ બાપુ શ્રી જગજીવનદાસ બાપુ , શ્રી નીલકંઠાનંદ બાપુ, જુના અખાડા, આહવાન અને અગ્નિ અખાડાના મહંતો આ ઉપરાંત પદાધિકારીઓમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શ્રી ધવલભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ રૂપારેલીયા, પુનિતભાઈ શર્મા, યોગેન્દ્ર પઢિયાર, પલવીબેન ઠાકર, સંગઠનના પદાધિકારીઓ, એમ જ અધિકારીઓમાં ડી સી એફ અક્ષય જોશી, અધિક કલેકટર બી.એસ બારડ , નાયબ કલેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે મીટીંગ નું સંચાલન કર્યું હતું.
૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા:-૧૨૬
મૈથેલી ઠાકુર દ્વારા વિડીયો સંદેશ મારફતે શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા કરી અપીલ
૦૦૦
તા. ૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોકગાયિકા તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે
૦૦૦
જૂનાગઢ,તા.૭ મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા.૧૧ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન થનાર છે. ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે.આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પણ ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે.
પ્રથમ દિવસે તા. ૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત દ્રારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. મૈથેલી ઠાકુરે વિડીયો સંદેશના માધ્યમથી શ્રદ્ધાળુઓ તથા શહેરીજનોને મહાશિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક અપીલ કરી હતી.
૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા:-૧૨૭
રાજ્યના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મહાશિવરાત્રીના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું
૦૦૦
જૂનાગઢ જિલ્લાના પ્રભારી તથા સહ પ્રભારી મંત્રીશ્રીએ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ભાવિકોની સુવિધા અને વ્યવસ્થાઓને કેન્દ્રમાં રાખી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું : મહાશિવરાત્રીના મેળાને વધુ દિવ્યતા અને ભવ્યતા આપવા સ્થળ પરથી જ માર્ગદર્શન આપ્યું
૦૦૦
મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા સહિતના પદાધિકારી- અધિકારી રૂટ નિરીક્ષણમાં જોડાયા
૦૦૦
જૂનાગઢ તા.૮ રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે ૧૧મી ફેબ્રુઆરીએ શરૂ થવાથી રહેલા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાત સરકારના મંત્રીશ્રીઓએ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી.
ખાસ કરીને મંત્રીશ્રીઓએ મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધારવા તેમજ મહાશિવરાત્રીનું પર્વ અનેરા આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ સાથે લાઇટિંગ ડેકોરેશન અંગે પણ મંત્રીશ્રીઓએ જરૂરી નિર્દેશ આપ્યા હતા.
વધુમાં તેમણે મહાશિવરાત્રીના મેળાને તાજેતરમાં જ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની જે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેવી જ મહાશિવરાત્રીના મેળાની ભવ્ય ઉજવણી થાય તે સંદર્ભમાં પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું.
આ રૂટ નિરીક્ષણમાં પરિવહન સેવા, ટ્રાફિક નિયમન, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપરાંત મહાશિવરાત્રી મેળા દરમિયાન યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના મંચ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ રૂટ નિરીક્ષણમાં મેયર શ્રી ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સહિતના પદાધિકારીઓ જોડાયા હતા, આ દરમિયાન જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્રની તૈયારીઓ અને અને ભાવિકો માટે ઊભી થઈ રહેલી સુવિધાઓથી વાકેફ કર્યા હતા.
મંત્રીશ્રીઓ સહિતના મહાનુભવોએ નિરીક્ષણ કર્યા બાદ ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા અહીં ભાવપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ભવનાથ મંદિર અને મંદિર પરિસરમાં આવેલા મૃગીકુંડ અને શ્રદ્ધાળુઓ માટે જે વ્યવસ્થાગત ફેરફારો થયા છે તેની સાથે જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખીને જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે અંગે પણ મંત્રીશ્રીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન શિવજીના કલાત્મક પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે, તેના આર્ટિસ્ટની કલાને બિરદાવી મંત્રીશ્રીઓએ અભિનંદન આપ્યા હતા.
આ રૂટ નિરીક્ષણમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા,પ્રાંત અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, અગ્રણી શ્રી ધવલ દવે, પુનિતભાઈ શર્મા શ્રી યોગીભાઈ પઢીયાર, કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ દવે સહિતના પદાધિકારી અધિકારી જોડાયા હતા.
૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા:-૧૨૮
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ ૧૨ ફેબુ્આરી ના રોજ માતૃશ્રી જે.એસ.ગોધાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતીમેળો યોજાશે
૦૦૦
જૂનાગઢ,તા. ૮ જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. ૧૨/૦૨/૨૦૨૬ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા માતૃશ્રી જે.એસ.ગોધાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સરદારપરા, જૂનાગઢ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતીમેળાનુ આયોજન કરવામા આવનાર છે.
જેમાં દાવત બેવરેઝીસ પ્રા.લી.- મુ. મોવિયા તા. ગોંડલ, સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમિશન પ્રા.લી. મુ. પિપળીયા, જિ.રાજકોટ બોનાન્ઝા લક્સ સલૂન એલ.એલ.પી રાજકોટ, અદિતી ટોય્ઝ પ્રા.લી- રાજકોટ, એચ.ડિ.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની જૂનાગઢ , બેડિયા ટેકનોકાસ્ટ એલ.એલ.પી.-મુ.હરીપર રાજકોટ, ભારતી એક્સા લાઇફ ઇન્સયુરંસ પ્રા.લી. જૂનાગઢ, એસ.બી.આઇ. લાઇફ ઇન્સયુરંસ કંપની લી. જૂનાગઢ, પરફેક્ટ ઓટો સર્વિસ પ્રા.લી. જૂનાગઢ, રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સયુરંસ કંપની લી. જૂનાગઢ, મહાવિર એન્ટરપ્રાઇઝ–શાપર રાજકોટ, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સયુરંસ વિગેરે નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જેમા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે એસ.એસ.સી, આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતક અને અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ( ૧૮ વર્ષ થી ૪૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે.
૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા:-૧૨૯
મહાશિવરાત્રિ મેળા નિમિત્તે ગિરનાર રોપ-વેમા ખાસ ડિસ્કાઉન્ટ ઓફર
૦૦૦
મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે ગિરનાર રોપ-વેની વિશેષ ઓફર: ટિકિટ રૂ. ૬૩૦ના દરે ઉપલબ્ધ થશે
૦૦૦
જૂનાગઢ,તા.૮ જૂનાગઢ ખાતે યોજાનાર મહાશિવરાત્રિ મેળાને નિમિત્તે ગિરનાર રોપ-વે દ્વારા ભાવિક- ભક્તો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આ ઓફર અમલમાં મૂકવામાં આવી છે. આ ઓફર અંતર્ગત ભક્તોને ગિરનાર રોપ-વેની ટિકિટ રૂપિયા ૬૩૦ (GST સહિત)ના વિશેષ દરે ઉપલબ્ધ રહેશે. આ યોજના તારીખ ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન માન્ય રહેશે.
દરરોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આ ઓફરનો લાભ લઈ શકાશે. નોંધનીય છે કે સાંજે ૦૪:૦૦ વાગ્યા બાદ ફક્ત એક તરફી ટિકિટ જ ઉપલબ્ધ રહેશે. શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વધુમાં વધુ ભક્તો ગિરનાર રોપ-વે દ્વારા સુગમ, સુરક્ષિત અને આધ્યાત્મિક યાત્રાનો આનંદ માણી શકે તે હેતુથી આ વિશેષ ઓફર રજૂ કરવામાં આવી હોવાનું ગિરનાર રોપ વે મેનેજમેન્ટની એક અખબારી યાદીમાં જણાાવવામાં આવ્યુ છે.
૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા:-૧૩૦
જૂનાગઢના ઉભરતા રમતવીરો માટે સુવર્ણ તક: ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ ‘બેટરી ટેસ્ટ‘
૦૦૦
ખેલ મહાકુંભ-૨૦૨૫માં અંડર-૯ અને અંડર-૧૧ માં વિજેતા થયેલા ખેલાડીઓ જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે આપી શકશે પ્રવેશ કસોટી
૦૦૦
જૂનાગઢ તા.૮ ગુજરાતના રમતગમત ક્ષેત્રનો પાયો મજબૂત બને અને વિદ્યાર્થીઓમાં નાનપણથી જ રમત પ્રત્યે રુચિ અને કેળવણી વધે તેવા ઉમદા આશય સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ’ (DLSS) યોજના અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે મુજબ જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે આગામી ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીના રોજ બેટરી ટેસ્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે ચાલુ વર્ષે યોજાયેલ ‘ખેલ મહાકુંભ ૨૦૨૫’ અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧ માં જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકા અને મહાનગરપાલિકાના ૮ ઝોનમાંથી ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ જેવી સ્પર્ધાઓમાં ૧ થી ૮ ક્રમાંક મેળવનાર વિજેતા ભાઈઓ-બહેનો પાત્રતા ધરાવે છે. આ અંતર્ગત તા.૧૦/૦૨/૨૦૨૬ ના રોજ બહેનો માટે અને તા. ૧૧/૦૨/૨૦૨૬ ના રોજ ભાઈઓ માટે બેટરી ટેસ્ટ લેવામાં આવશે.
આ જિલ્લાકક્ષાની ટેસ્ટમાં મેરીટમાં સ્થાન મેળવનાર ખેલાડીઓને રાજ્યકક્ષાએ ટેસ્ટ આપવાની તક મળશે. રાજ્યકક્ષાના મેરીટના આધારે અંતિમ પસંદગી પામેલા ખેલાડીઓને ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. પસંદ થયેલા આ પ્રતિભાશાળી ખેલાડીઓને નિષ્ણાત કોચ દ્વારા સવાર-સાંજ વૈજ્ઞાનિક ઢબે ધનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે.
વધુમાં, આ યોજના હેઠળ ખેલાડીઓને નિવાસી શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ, અભ્યાસલક્ષી સ્ટેશનરી, પુસ્તકો, નિવાસ અને પૌષ્ટિક ભોજનની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત શાળાનો ગણવેશ, અત્યાધુનિક રમતગમતના સાધનો, સ્પોર્ટ્સ કીટ અને વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેનું એક્સપોઝર પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
અંગેની વધુ વિગતો કે માર્ગદર્શન માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના સંપર્ક નંબર ૭૮૫૯૯ ૪૬૯૮૪ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા:-૧૩૧
માંગરોળ તાલુકાના વિવિધ ગામોના અંદાજે રૂ. ૯૯ લાખના ૪૪ વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા
૦૦૦
કેન્દ્રીય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ અને મેડીકલ કેમ્પ પણ યોજાયો
૦૦૦
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજિત કાર્યક્રમમાં સેવાસેતુના લાભાર્થીઓને હુકમ/પ્રમાણપત્રો અને સહાય વિતરણ કરવામાં આવ્યા
૦૦૦
જૂનાગઢ,તા.૮ ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળના શીલ ખાતેના આઈટીઆઈમાં જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે માંગરોળ તાલુકાના અંદાજે રૂ.૯૯ લાખના ૪૪ વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું. જેમાં જન સુખાકારીમાં વધારો કરતા અંદાજે રૂ. ૨૨.૭૭ લાખના ૧૧ ખાતમુહૂર્ત અને રૂ. ૭૬.૫૧ લાખના ૩૩ લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સંવેદનશીલ અભિગમથી સામાન્ય માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. તેમણે આ તકે જ્યોતિગ્રામ યોજના, આયુષ્યમાન ભારત અને માં અમૃતમ યોજના, ઉજ્જવલા યોજના, ખેડૂતો અને માછીમારો માટે આર્થિક સુરક્ષા માટે લેવામાં આવેલ નિર્ણય, આ ઉપરાંત, પીએમ-કિસાન યોજના, માછીમાર પરિવારો માટે પણ મત્સ્ય સંપદા યોજના નો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત સરકાર દ્રારા મગફળીની ટેકાના ભાવે ખરીદી, તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિ અંગે સરકારના ત્વરિત નિર્ણયની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, કોઈ પણ અરજી કે રજૂઆત વગર ખેડૂતો માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે, સરકાર અત્યારે પોતાની જવાબદારી અને કર્તવ્ય ભાવથી જનતાની સેવા કરી રહી છે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ, સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ૧૫ જેટલા સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મધ્યમથી ૫૬ જેટલી સેવાઓનો ૧૮૩૦ જેટલા લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો હતો.
આ તકે સેવા સેતુ કાર્યક્રમ તથા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ રોગો અંગેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં માંગરોળ તાલુકાના શીલ, સાંગાવાડા, ઝરિયાવાડા, તલોદ્રા, લોએજ, દિવાસા, આંત્રોલી, રહીજ, બામણવાડા, અને કંકાસા ગામના લોકોએ લાભ લીધો હતો
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા,ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો. જય ત્રિવેદી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી, તાલુકા ભાજપ સંગઠન સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, કેશોદ પ્રાંત અને આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી, માંગરોળ મામલતદારશ્રી, ટીડીઓશ્રી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા:-૧૩૨
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળામાં શ્રદ્ધાળુઓને સહભાગી બનવા લોકસાહિત્યકાર રાજભા ગઢવીની અપીલ
૦૦૦
જૂનાગઢ,તા.૮ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળાનો આરંભ તા.૧૧ ફેબુ્આરી થી થનાર છે. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળા-૨૦૨૬ માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.
મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે. તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ રાત્રે પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્રારા ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે. લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્રારા વિડીયો સંદેશના માધ્યમથી શ્રદ્ધાળુઓ તથા શહેરીજનોને મહાશિવરાત્રી મેળામાં સહ પરિવાર સહભાગી બનવા અપીલ કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦









