GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: PFMS, PRESA, CTS પોર્ટલ, બદલીગ્રસ્ત શિક્ષકોને કાર્યમુક્ત કરવા અને જિલ્લા ફેરબદલીના પ્રશ્નોના ત્વરિત નિરાકરણની માંગ

તા.૧૦/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાઓના હિતને સ્પર્શતા પાંચ અત્યંત મહત્વના પ્રશ્નોના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા માનનીય શિક્ષણમંત્રીશ્રી સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી છે.

મહાસંઘ દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, જે આવકારદાયક છે. જોકે કેટલીક નવી ડિજિટલ પદ્ધતિઓ અને વહીવટી પ્રક્રિયાઓના અમલીકરણ દરમિયાન શિક્ષકો, આચાર્યો અને શાળાઓને અનેક વ્યવહારુ તથા ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે શિક્ષકોનો કિંમતી સમય વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને બદલે વહીવટી પ્રક્રિયાઓમાં ખર્ચાઈ રહ્યો છે.

મહાસંઘે પ્રથમ રજૂઆતમાં PM SHRI શાળાઓમાં અમલમાં મૂકાયેલી SNA-SPARSH પદ્ધતિ અંગે ધ્યાન દોર્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉની PFMS પદ્ધતિ સરળ, ઝડપી અને અસરકારક હતી, જ્યારે હાલની પદ્ધતિમાં દરેક બિલ માટે જિલ્લા કક્ષાએ વાઉચર રજૂ કરવાની ફરજ પડતા સમય, નાણાં અને માનવશક્તિનો બિનજરૂરી વ્યય થઈ રહ્યો છે. અનેક શાળાઓને માત્ર વાઉચર જમા કરાવવા લાંબું અંતર કાપવું પડે છે, જેના કારણે શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થાય છે. તેથી અગાઉની PFMS પદ્ધતિ યથાવત્ રાખવા અથવા SNA-SPARSH પદ્ધતિમાં જરૂરી વ્યવહારુ સુધારાઓ કરવા માંગ કરવામાં આવી છે.

બીજી રજૂઆતમાં PRESA પોર્ટલ દ્વારા પગાર પ્રક્રિયા દરમિયાન ઊભી થતી ટેકનિકલ સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. મહાસંઘે જણાવ્યું છે કે સર્વરની ધીમી ગતિ, વારંવાર આવતી ટેકનિકલ ખામીઓ, રિકન્સિલિયેશનની મુશ્કેલીઓ અને પગાર પ્રક્રિયામાં થતા વિલંબને કારણે શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી PRESA પોર્ટલને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવાની અથવા અગાઉની સરળ અને વિશ્વસનીય SAS પદ્ધતિ પુનઃ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

ત્રીજી રજૂઆતમાં CTS પોર્ટલમાં ઓવરએજ બાળકોના ઓનલાઈન નામંકનની એન્ટ્રી બંધ હોવાના કારણે આવા બાળકોનું સમયસર ઓનલાઈન નામંકન થઈ શકતું નથી, જેના કારણે તેઓ સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભથી વંચિત રહી શકે છે તેમજ શાળાના મહેકમની વાસ્તવિક ગણતરી પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી CTS પોર્ટલમાં ઓવરએજ બાળકોના ઓનલાઈન નામંકનની એન્ટ્રી તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

ચોથી રજૂઆતમાં વર્ષ 2022-23 તથા ત્યારબાદ જિલ્લા/તાલુકા ફેરબદલીના આદેશ થયેલા અનેક શિક્ષકો હજુ સુધી કાર્યમુક્ત થઈ શક્યા નથી તે બાબત રજૂ કરવામાં આવી છે. મહાસંઘે જણાવ્યું છે કે બદલીના આદેશ થયા હોવા છતાં મહેકમની અછતના કારણે ઘણા શિક્ષકો વર્ષોથી પોતાના પરિવારથી દૂર ફરજ બજાવી રહ્યા છે. તેથી જ્યાં જરૂરી હોય ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી કરીને તેમજ જ્યાં જ્ઞાન સહાયકો ફરજ બજાવી રહ્યા છે ત્યાં મહેકમમાં ગણતરી કરીને બદલીગ્રસ્ત શિક્ષકોને 100 ટકા કાર્યમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પાંચમી રજૂઆતમાં જિલ્લા ફેરબદલી પ્રક્રિયામાં જનરલ તબક્કામાં ખાલી રહેલી અગ્રતાની જગ્યાઓને કન્વર્ટ કરીને શ્રેયાનતા યાદી મુજબ વિશેષ જનરલ કેમ્પ યોજવાની માંગ કરવામાં આવી છે. મહાસંઘનું માનવું છે કે આમ કરવાથી વતનથી દૂર ફરજ બજાવતા વધુ શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ મળી શકશે અને સરકારની બદલી નીતિનો હેતુ પણ વધુ અસરકારક રીતે સિદ્ધ થશે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ વતી તાલુકા મહામંત્રી શ્રી રવિન્દ્રભાઈ સરવૈયા, શ્રી મનીષભાઈ ચાવડા, શ્રી અભયભાઇ ગોડાસરા અને શ્રી નિવિદભાઈ વાજાએ જણાવ્યું છે કે આ તમામ રજૂઆતો કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક, સમયબદ્ધ અને વિદ્યાર્થીકેન્દ્રિત બનાવવા માટે કરવામાં આવી છે. શિક્ષકોને બિનજરૂરી વહીવટી બોજમાંથી મુક્ત કરીને તેઓનો વધુ સમય વિદ્યાર્થીઓના ગુણવત્તાસભર શિક્ષણ માટે ઉપયોગી બને તે જ સંગઠનનો મુખ્ય હેતુ છે.

મહાસંઘે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી તમામ રજૂઆતો પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!