HALVAD હળવદ ૧૧૨ જનરક્ષકના ડ્રાઈવરનો ખાખીનો રોફ, બેકરીના વેપારીને આપી ધમકી

HALVAD હળવદ ૧૧૨ જનરક્ષકના ડ્રાઈવરનો ખાખીનો રોફ, બેકરીના વેપારીને આપી ધમકી
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવેલા ૧૧૨ જનરક્ષક વાહનોના કર્મચારીઓ હવે જનતાના રક્ષક બનવાને બદલે ભક્ષક બની રહ્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હળવદની એક જાણીતી બેકરીમાં ૧૧૨ ના ડ્રાઈવરે પોલીસ હોવાનો રોફ જમાવી વેપારીને ધમકાવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, હળવદ શહેરમાં આવેલી ‘જયસ્વાલ બેકર્સ’ નામની દુકાનમાં ૧૧૨ જનરક્ષકનો ડ્રાઈવર ગ્રાહક બનીને આવ્યો હતો. વસ્તુ ખરીદ્યા બાદ તેણે પૈસા બાબતે માથાકૂટ કરી હતી. ડ્રાઈવરે વેપારી પર દબાણ કરતા કહ્યું હતું કે, “પૈસા ઓછા લે, નહિતર મજા નહીં આવે.”
આટલું જ નહીં, પોતાની સત્તાનો દુરુપયોગ કરતા તેણે વેપારીને ધમકી આપી હતી કે, જો બેકરીની બહાર ગ્રાહકોના વાહનો પાર્ક થયેલા દેખાશે તો તરત જ ઉપાડી લેવામાં આવશે. તેણે પોતાને પોલીસ અને ‘ડી સ્ટાફ’ નો માણસ ગણાવી ભારે રોફ જમાવ્યો હતો.આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં ડ્રાઈવરની દાદાગીરી સાફ જોવા મળી રહી છે. સામાન્ય રીતે જનરક્ષકના ડ્રાઈવરો કોન્ટ્રાક્ટ બેઝ પર હોય છે, છતાં પોલીસના નામે વેપારીઓને ડરાવવાની આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.વેપારી આલમમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું ૧૧૨ ના ડ્રાઈવરોને વેપારીઓને ધમકાવવાનો પરવાનો મળ્યો છે? પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવા તત્વો સામે લાલ આંખ કરશે?હાલમાં આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.










