AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં 202 કરોડથી વધુના પોલીસ સુરક્ષા અને આવાસ પ્રકલ્પોનું ઇ-ખાતમુહૂર્ત, રાજ્યની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ગુજરાત રાજ્યની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ મહત્વના પોલીસ પ્રકલ્પોના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા સુરક્ષા, આવાસ અને આધુનિકીકરણ સંબંધિત પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઇન ખાતે 74.62 કરોડ રૂપિયાના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડ રૂપિયાના ખર્ચે પોલીસ આવાસ, તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડ રૂપિયાના ખર્ચે ડોગ કેનલ અને ટ્રેનિંગ ઓફિસ તથા 1.34 કરોડ રૂપિયાના ખર્ચે SRP ગ્રુપ-2ના બંગલાના નિર્માણ કાર્યનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે પોલીસ કર્મીઓ અને તેમના પરિવારના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો લાવશે.

કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ અને ATS માટે આ દિવસ ઐતિહાસિક છે, કારણ કે એક જ દિવસે 202.85 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું છે. ATS એ માત્ર હથિયારધારી દળ નથી, પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓની અતૂટ સુરક્ષા અને વિશ્વાસનું સૌથી મોટું કેન્દ્ર છે. ATS 365 દિવસ અને 24 કલાક રાજ્યના દરેક નાગરિકની સુરક્ષા માટે સતત કાર્યરત રહેતી એક ‘સાયલન્ટ ફોર્સ’ છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરી છે. માત્ર રાજ્યની અંદર જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં થયેલા આતંકી હુમલાઓના આરોપીઓને પકડવામાં પણ ATSએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યુવાનોને ઓનલાઈન માધ્યમથી કટ્ટરપંથી બનાવતા આતંકી મોડ્યુલોનો પર્દાફાશ કરવો હોય કે ડ્રગ્સ નેટવર્ક્સને તોડવા માટે અન્ય રાજ્યોમાં દરોડા પાડવાના હોય, ATSના જવાનોોએ પરિવારથી દૂર રહીને પણ સફળ ઓપરેશન્સ પાર પાડ્યા છે.

દરિયાઈ સુરક્ષા અંગે તેમણે જણાવ્યું હતું કે, 1600 કિમી લાંબી દરિયાઈ સીમા પર સતત સતર્ક રહેવું એ સરળ કાર્ય નથી. તેમ છતાં ATSના જવાનો દ્વારા 75થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોને સીમા પર જ ઝડપી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર ATSને માત્ર ટેકનિકલ રીતે નહીં પરંતુ બજેટરી સહાય દ્વારા પણ વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. નવું નિર્માણ પામનાર ATS ભવન વિશ્વસ્તરીય ટેકનિકલ સુવિધાઓથી સજ્જ બનશે અને આગામી અનેક વર્ષો સુધી રાજ્યની સુરક્ષાને અભેદ્ય બનાવશે.

આ પ્રસંગે નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મજબૂત ગુજરાત માટે મજબૂત પોલીસ અને મજબૂત ATS અનિવાર્ય છે. આજે ગુજરાતમાં જે શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે, તેનું સંપૂર્ણ શ્રેય ગુજરાત પોલીસ અને ATSની કાર્યક્ષમતાને જાય છે. રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે ગુંડાગીરી, આતંકવાદ અને નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ પરિવારની સુખાકારી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. પોલીસ આવાસોની અછત દૂર કરવા માટે પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા ઝડપી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી પોલીસ કર્મીઓ તણાવમુક્ત બની પોતાની ફરજ વધુ અસરકારક રીતે નિભાવવી શકે.

કાર્યક્રમ દરમિયાન રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, સમાજ અને નાગરિકોની સુરક્ષા રાજ્ય પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ATS એક વિશિષ્ટ દળ તરીકે સતત પ્રગતિ કરી રહ્યું છે અને અદ્યતન ટેકનોલોજી, આધુનિક હથિયારો અને વિશેષ તાલીમ દ્વારા તેને વધુ સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. ATSના નવા ભવનનું ખાતમુહૂર્ત રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં એક નવા અધ્યાયની શરૂઆત છે.

આ પ્રસંગે ગુજરાત પોલીસના આધુનિક હથિયારો અને મરીન કમાન્ડો ફોર્સના સંસાધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાત લઈ પોલીસ દળની સજ્જતાની પ્રશંસા કરી હતી. ઉપરાંત ATSની કામગીરી અને સિદ્ધિઓ પર આધારિત વિશેષ શોર્ટ ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ અને ગાંધીનગરના ધારાસભ્યો, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ ફોર્સિસના પ્રતિનિધિઓ, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તેમજ પોલીસ પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!