GUJARATJUNAGADH CITY / TALUKO

“જૂનાગઢનો ભવનાથ મેળો કે ફ્લોપ શો? શાસકોની જીદ અને પ્રજાની નબળાઈ પર એડવોકેટ હેમાબેન શુક્લાનો પ્રચંડ આક્રોશ”

જૂનાગઢની જનતાની મૌન સંમતિ અને શાસકોની જોહુકમીએ ભવનાથના મેળાની રોનક છીનવી : એડવોકેટ હેમાબેન શુક્લા

જૂનાગઢની જનતાની મૌન સંમતિ અને શાસકોની જોહુકમીએ ભવનાથના મેળાની રોનક છીનવી : એડવોકેટ હેમાબેન શુક્લા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગઈકાલે તારીખ ૧૧/૦૨/૨૦૨૬ના રોજ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મેળાની ધજા ચડી અને મેળો ખુલ્લો મુકાયો, પરંતુ ઇતિહાસમાં પહેલીવાર જૂનાગઢનો આ મેળો સદંતર નિષ્ફળ જતો દેખાઈ રહ્યો છે. જૂનાગઢના સિનિયર એડવોકેટ હેમાબેન શુક્લાએ આ નિષ્ફળતા અંગે પોતાની વેદના ઠાલવતા વહીવટી તંત્ર અને સ્થાનિક જનતાની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા છે.

મેળાની જમીની હકીકત: ‘ખાલી ખાલી ડેરા હૈ’
હેમાબેને જણાવ્યું કે, મેળાના પ્રારંભે જ મોડી રાત સુધી મેળાના મેદાનમાં ‘કાગડા ઉડતા’ હતા. વેપારીઓએ રાત્રે ૧૦ વાગ્યે દુકાનોના સંકેલા કરી લીધા હતા. જે મેળામાં લાખોની મેદની ઉમટતી હતી, ત્યાં મૈથિલી ઠાકુર જેવા નામી કલાકારના પ્રોગ્રામમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. આ સ્થિતિ સૂચવે છે કે શાસકોના ખોટા નિર્ણયોને કારણે લોકો મેળાથી વિમુખ થયા છે.

૮ પાસ નેતાઓ અને ‘સરકારી’ સંતો પર આકરા પ્રહારો:
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, આઠમું પાસ કરેલા નેતાઓ ઉદ્ઘાટનો કરી રહ્યા છે અને કહેવાતા મોટા સંતો-મહંતો ગ્રાન્ટની લાલચે કે લેન્ડ ગ્રેબિંગ જેવા ગુનાઓમાંથી બચવા માટે શાસકોના તળિયા ચાટી રહ્યા છે. ભાજપી કાર્યકરો સોશિયલ મીડિયા પર માત્ર દેખાડો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં જનતાને પડતી મુશ્કેલીઓનો કોઈ ઉકેલ નથી.
સ્થાનિક કલાકારો અને જનતા સાથે અન્યાય:
હેમાબેને રોષ વ્યક્ત કરતા કહ્યું કે, બહારના કલાકારો માટે છેક નરસિંહ ધામ સુધી લક્ઝરી ગાડીઓની સુવિધા છે, જ્યારે સ્થાનિક કલાકારોને પેમેન્ટ અને વાહન વ્યવસ્થામાં ઘોર અન્યાય થઈ રહ્યો છે. આ અન્યાય સામે સ્થાનિક કલાકારો કેમ ચુપ છે? શું તેમનામાં વિરોધ કરવાની તાકાત નથી?

જૂનાગઢની જનતાને લલકાર:
આ નિષ્ફળતા માટે હેમાબેને માત્ર શાસકોને જ નહીં, પણ જૂનાગઢની પ્રજાને પણ જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, “જે પ્રજા પોતાના હક માટે લડી શકતી નથી, તે આવી જ અવદશાને લાયક છે.” તેમણે આહવાન કર્યું કે જો જૂનાગઢની જનતામાં હજુ પણ આત્મસન્માન બાકી હોય, તો આખું જૂનાગઢ સજ્જડ બંધ રાખવું જોઈએ અને ભરડાવાવથી સવિનય કાનૂન ભંગ કરવો જોઈએ.
છેલ્લે તેમણે સંસ્કૃતની ઉક્તિ “ન હી સુપત્સ્ય, સિંહસ્ય પ્રવિશાન્તિ મુખે મૃગા:” ટાંકીને જણાવ્યું કે, મોઢામાં કોળિયો મેળવવા માટે સિંહે પણ જાગવું પડે છે, એમ જૂનાગઢની જનતાએ પોતાના અસ્તિત્વ માટે હવે જાગવું જ પડશે.

Back to top button
error: Content is protected !!