અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ…

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ છે. ભરૂચ SOGની ટીમે સિદ્ધ કો.ઓ. હા. સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર 301 પર દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે.
આ ભાડાના મકાનના બાથરૂમમાં જ મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની લેબ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન આશરે 70 ગ્રામ તૈયાર MD ડ્રગ્સ અને મોટી માત્રામાં રો મટીરિયલ જપ્ત કર્યું છે.
આ કેસમાં ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતા અનિલ રાખોલિયા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો.
આ સમગ્ર કાર્યવાહી ભરૂચ SOGની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને ડ્રગ્સના સપ્લાય નેટવર્ક તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે.




