**પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હિંમતનગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ**

**પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હિંમતનગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ**
હિંમતનગરમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરીને અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા જિલ્લા પેરામિલેટ્રી સંગઠન દ્વારા એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દેશભક્તિનો ભરપૂર માહોલ જોવા મળ્યો હતો અને શહીદોના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રેલીની શરૂઆત શહેરના બસ સ્ટેન્ડથી થઈ હતી. રેલીમાં ભાગ લેનારા લોકોએ દેશભક્તિના નારા લગાવ્યા અને શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખીને માર્ચ કર્યો. રેલી સિવિલ સર્કલ પહોંચી, જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
રેલીમાં સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી આવેલા પેરામિલેટ્રી જવાનોના પરિવારજનો, મહિલાઓ, સંગઠનના સભ્યો તેમજ નિવૃત્ત આર્મી જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહીદોના પરિવારોને યોગ્ય દરજ્જો, પેન્શન તથા અન્ય સરકારી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગણી પણ રેલી દરમિયાન મોટેથી ઉઠાવવામાં આવી હતી.
(અહેવાલ જયંતિ પરમાર, સાબરકાંઠા)








