અંકલેશ્વર એક્સપ્રેસ વે પર ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો 2 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 2.24 કરોડના મુદામાલ સાથે ડ્રાઈવર ક્લિનરની કરી ધરપકડ, ત્રણ વોન્ટેડ, હરિયાણાથી વાંસદ 33 હજાર બોટલ લઈ જવા દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પસંદ કરતાં પુનગામ પાસે પોલીસ ત્રાટકી
અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની બોરીની આડમાં સંતાડી લઈ જવાતો રૂ.2 કરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી 33 હજાર નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ ચોખાની 350 બોરીઓ વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો. જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર જેરામ મેગવાલ અને ક્લીનર મુકેશ મેગવાલની ધરપકડ કરી છે. ટ્રક અને ચોખા સહિત કુલ રૂ.2.24 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે હરિયાણા બોર્ડરથી દારૂ ભરાવનાર, ટ્રક માલિક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને દિલ્હી, આગ્રા, પલવર થઈ મહારાષ્ટ્ર થઈ ગુજરાતમા પ્રવેશી વાંસદ ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.





