ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક પહેલ: દેશનો પ્રથમ ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI)’ લોન્ચ, ત્રિપક્ષીય MoU પર હસ્તાક્ષર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વિકસિત ભારત @ 2047ના વિઝનને સાકાર કરવા અને ગ્રાહક અધિકારોને નવી ઊંચાઈએ લઈ જવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને દિશાદર્શક પહેલ કરી છે. ગ્રાહકો પ્રત્યે કોર્પોરેટ ક્ષેત્રની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI)’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સૂચકાંક ગ્રાહક કેન્દ્રિત બજાર વ્યવસ્થાના નિર્માણમાં માઇલસ્ટોન સાબિત થવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રલ્હાદ જોશી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે જ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ગ્રાહક બાબતોનો વિભાગ (ગુજરાત સરકાર), કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC) અને CARE Edge વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો હતો.
આ MoUનો મુખ્ય હેતુ દેશનો પ્રથમ કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ વિકસાવી તેનો અમલ કરવાનું છે. CRI દ્વારા વિવિધ ઉદ્યોગો અને સેવા પ્રદાતાઓ ગ્રાહકો પ્રત્યે કેટલી જવાબદારી અને પારદર્શિતા દાખવે છે તેનું વૈજ્ઞાનિક, ડેટા આધારિત અને સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવશે. આ સૂચકાંકથી બજારમાં નૈતિકતા, જવાબદારી અને વિશ્વાસનું માળખું વધુ મજબૂત બનશે.
CRIનો ઉદ્દેશ પરંપરાગત બજાર અભિગમથી આગળ વધીને ગ્રાહક કેન્દ્રિત વિચારધારા સ્થાપિત કરવાનો છે. તેમાં ઉદ્યોગો ગ્રાહકો સાથે કેવો વ્યવહાર કરે છે, ફરિયાદ નિવારણ પ્રણાલી કેટલી અસરકારક છે, માહિતીની પારદર્શિતા કેટલા સ્તરે છે અને સેવાઓની ગુણવત્તા કેટલી જાળવવામાં આવે છે જેવા મુદ્દાઓનું મૂલ્યાંકન થશે. આથી ગ્રાહકોને યોગ્ય અને વિશ્વસનીય સેવા પ્રદાતાઓ પસંદ કરવામાં સહાય મળશે.
CERCના અધ્યક્ષ ડો. સુનિલ પારેખે જણાવ્યું હતું કે CRI દ્વારા કોર્પોરેટ જવાબદારી હવે માત્ર સિદ્ધાંત ન રહી, પરંતુ માપી શકાય તેવું ધોરણ બનશે. તેમણે ઉમેર્યું કે CERC સરકાર અને CARE Edge સાથે મળીને એવું માળખું ઉભું કરશે, જે દરેક નાગરિકને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે સશક્ત બનાવશે. ગ્રાહક અધિકારોને સંસ્થાકીય સ્વરૂપ આપતી ગુજરાત સરકારની આ પહેલ પરિવર્તનકારી સાબિત થશે.
CRI ઉપરાંત ગુજરાત સરકાર અને CERC વચ્ચે ગ્રાહક સશક્તિકરણ માટે સર્વગ્રાહી ઇકો-સિસ્ટમ વિકસાવવા પણ MoU કરવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં સમાધાન અને પ્રી-લિટિગેશન કેન્દ્રો સ્થાપવાની યોજના છે, જેથી ગ્રાહકોને ન્યાય સરળ, ઝડપી અને ઓછા ખર્ચે મળી શકે. યુવાનો અને નાગરિકોમાં ગ્રાહક અધિકારો તથા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન હાથ ધરાશે. ડિજિટલ યુગમાં વધતી ઓનલાઈન ખરીદી અને સેવાઓને ધ્યાનમાં રાખીને ‘સાયબર સુરક્ષિત ગુજરાત’ માટે વિશેષ માળખું તૈયાર કરવામાં આવશે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારના નેતૃત્વમાં આ પહેલ ગ્રાહક સુરક્ષા માળખાને આધુનિક અને અસરકારક બનાવશે. CBDC જેવી ડિજિટલ ટેકનોલોજી અને CRI જેવી નૈતિક મૂલ્યાંકન વ્યવસ્થાના સંકલનથી ગુજરાત ગ્રાહક સુરક્ષા અને સેવા ક્ષેત્રે વૈશ્વિક ધોરણો તરફ આગળ વધી રહ્યું છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે CRIના અમલથી બજારમાં સ્વસ્થ સ્પર્ધા વધશે, કોર્પોરેટ ક્ષેત્ર વધુ જવાબદાર બનશે અને ગ્રાહકોમાં વિશ્વાસનો સ્તર ઊંચો જશે. આ પહેલ રાજ્યને ગ્રાહક અધિકાર અને પારદર્શક બજાર વ્યવસ્થાના ક્ષેત્રે દેશ માટે એક મોડલ તરીકે સ્થાપિત કરશે.




