ઉત્તરપ્રદેશની ચાર કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની લીધી મુલાકાત

17 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કૃષિ ક્ષેત્રે આંતરરાજ્ય સહયોગ: યુ.પી.ના પ્રતિનિધિમંડળે એસ.ડી.એ.યુ.ના શૈક્ષણિક અને સંશોધન મોડેલને બિરદાવ્યું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અત્યાધુનિક સંશોધન કેન્દ્રોની મુલાકાતે ઉત્તરપ્રદેશનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ
કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આદાન-પ્રદાનના ઉમદા હેતુ સાથે ઉત્તરપ્રદેશની ચાર અગ્રણી કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU)ની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં મેરઠ, મથુરા, અયોધ્યા અને બાંદા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ સહિત આશરે ૧૮ જેટલા તજજ્ઞ સભ્યોનો સમાવેશ થયો હતો. મુલાકાતના પ્રારંભે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.એસ.ડી.સોલંકીએ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, અધિકારીશ્રીઓ અને વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મુલાકાતના મુખ્ય ચરણમાં ‘સરદાર સ્મૃતિ કેન્દ્ર’ ખાતે એક વિશેષ આંતરિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને રાજ્યોની કૃષિ યુનિવર્સિટીઓ વચ્ચે શિક્ષણની ગુણવત્તા, નવીનતમ સંશોધનો અને ખેડૂતો સુધી ટેકનોલોજી પહોંચાડવા માટેના વિસ્તરણ શિક્ષણના કાર્યો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. એસ. ડી. સોલંકીએ યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજનો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જેની ઉત્તરપ્રદેશના પ્રતિનિધિઓએ સરાહના કરી હતી.
ત્યારબાદ, પ્રતિનિધિમંડળે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા વિવિધ મહત્વના કેન્દ્રોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. જેમાં ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય, સી. પી. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, બાયો સાયન્સ રિસર્ચ સેન્ટર અને સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરી જેવી અત્યાધુનિક લેબ્સનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, શાકભાજી સંશોધન કેન્દ્ર અને સંકલિત ખેતી પદ્ધતિ કેન્દ્ર ખાતે ચાલી રહેલા પ્રયોગોમાં પ્રતિનિધિઓએ વિશેષ રસ દાખવ્યો હતો. પર્યાવરણ જાળવણીના ભાગરૂપે બોયઝ હોસ્ટેલ ખાતે સ્થાપિત બાયોગેસ પ્લાન્ટની કામગીરીની પણ તેઓએ પ્રશંસા કરી હતી. સમગ્ર મુલાકાતના અંતે, ઉત્તરપ્રદેશથી આવેલા મહાનુભાવોએ દાંતીવાડા યુનિવર્સિટીની શૈક્ષણિક શિસ્ત અને વૈજ્ઞાનિક અભિગમને બિરદાવી, આ મુલાકાતને બંને રાજ્યોના કૃષિ વિકાસ માટે ફળદાયી ગણાવી હતી.






