આણંદના ૨૫૦ કરતાં વધુ કેમેરા દ્વારા નાગરીકોની સુરક્ષા માટે કરાતું સતત 24×7 મોનિટરિંગ

આણંદના ૨૫૦ કરતાં વધુ કેમેરા દ્વારા નાગરીકોની સુરક્ષા માટે કરાતું સતત 24×7 મોનિટરિંગ
તાહિર મેમણ – આણંદ – 21/02/2026 – આણંદ ખાતે જિલ્લા કક્ષાએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીની સુચના, માર્ગદર્શન અને તેમના સતત મોનિટરિંગ હેઠળ 24×7 કાર્યરત છે.
રાજ્ય સરકારના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, જાહેર વ્યવસ્થા મજબૂત બનાવવા અને પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. આ “નેત્રમ” દ્વારા સમગ્ર જિલ્લામાં સુરક્ષાનું ‘‘અદૃશ્ય’’ પરંતુ સક્રિય રક્ષણ કવચ ઉભું કરવામાં આવ્યું છે.
નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ મારફતે સમગ્ર આણંદ જિલ્લામાં સ્થાપિત સીસીટીવી કેમેરાઓ, મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ, જાહેર સ્થળો, સંવેદનશીલ વિસ્તારો તેમજ જાહેર સ્થળોની ૨૪ કલાક સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કેન્દ્રમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખી કોઈ અનિચ્છનિય ઘટનાના સંદર્ભમાં તાત્કાલિક સંબંધિત પોલીસ મથકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે.
નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની કામગીરી માત્ર ગુનાખોરી અટકાવવાને પૂરતી સીમિત નથી, પરંતુ અકસ્માત, ઇમરજન્સી પરિસ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થાપન, મહિલાઓની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકોની મદદ અને જાહેર વ્યવસ્થાની જાળવણી જેવા અનેક ક્ષેત્રોમાં આ કન્ટ્રોલરૂમની ભૂમિકા મહત્વની રહી છે. કોઈપણ આપત્તિ સમયે માનવીય સંવેદનાની પ્રાથમિકતા સાથે ઝડપી પ્રતિસાદ આપી તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે છે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય “ટેકનોલોજી દ્વારા સુરક્ષા” ના સિદ્ધાંતને અમલમાં મૂકી નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત કરવાની સાથે પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસ વધારવાનો છે, નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના અધિકારી – કર્મચારીઓ સરકારના આ ઉદ્દેશ્યને સાર્થક કરવાનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યા છે. જેના કારણે પોલીસ કાર્યવાહી વધુ પારદર્શક, અસરકારક અને સમયબદ્ધ બનતા પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો છે.
નેત્રમ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર. એમ. ચૌહાણના જણાવ્યા પ્રમાણે, નેત્રમ ખાતે ૨૫ જેટલા પોલીસ કર્મીઓ – એન્જિનિયર દ્વારા આણંદ, કરમસદ, વિદ્યાનગર અને ખંભાત શહેરના ૨૫૦ જેટલા કેમેરાનું લાઈવ મોનિટરિંગ સતત ૨૪ કલાક કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અગત્યના બંદોબસ્ત, જુલુસ, શોભાયાત્રા અને ચૂંટણી જેવા સમયના લાઈવ મોનિટરીંગની સાથે પોલીસ કર્મચારીઓ ફરજ ઉપર હોય ત્યારે તેમની બોડી પર લગાવવામાં કેમેરાનું તેમજ ૨૦ પોલીસ સ્ટેશનો ખાતેના થાણા અધિકારીને આપવામાં આવેલ કેમેરાઓનું પણ નેત્રમ ખાતેથી જ મોનિટરિંગ થાય છે.
જિલ્લામાં હાલમાં કાર્યરત ૨૫૦ કેમેરા ઉપરાંત આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં વધુ ૫૫૦ જેટલા કેમેરા પણ કાર્યરત થશે, જેનું પણ લાઈવ મોનિટરિંગ નેત્રમ ખાતેથી જ કરવામાં આવશે.





