MALIYA (Miyana):માળિયા મિયાણામાં સીટી તલાટીનું સામાજિક કાર્યકર સાથે અસભ્ય વર્તન

MALIYA (Miyana):માળિયા મિયાણામાં સીટી તલાટીનું સામાજિક કાર્યકર સાથે અસભ્ય વર્તન
(રીપોર્ટ ઈશક પલેજા માળીયા)
આવાસ યોજનાની માહિતી આપવાનો ઇન્કાર કરતા વિવાદ.
સરકારી કચેરીઓમાં સામાન્ય જનતા અને સામાજિક કાર્યકરો સાથે કેવું વર્તન કરવામાં આવે છે તેનો એક જીવંત નમૂનો માળિયા મામલતદાર કચેરી ખાતે જોવા મળ્યો છે. માળિયાના જાગૃત સામાજિક કાર્યકર ઇકબાલ સુભાન સંધવાણી જ્યારે ગરીબ અને પછાત વર્ગના લોકો માટેની સરકારી યોજનાની માહિતી લેવા ગયા, ત્યારે સીટી તલાટી દ્વારા તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કરી માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.
સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’ ના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માળિયા વિસ્તારના પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી સામાજિક કાર્યકર ઇકબાલ સંધવાણી ગત તા. ૨૪/૦૨/૨૦૨૬ ના રોજ સીટી તલાટીને રૂબરૂ મળવા ગયા હતા.ઇકબાલભાઈએ જ્યારે યોજનાના નિયમો અને માર્ગદર્શન વિશે પૂછ્યું, ત્યારે સીટી તલાટીએ સહકાર આપવાને બદલે તોછડાઈથી જવાબ આપ્યો હતો કે, “પહેલા સનદ લઈને આવો પછી જવાબ આપીશ.” સામાજિક કાર્યકરે જ્યારે વિનંતી કરી કે તેઓ આદરપૂર્વક વાત કરી રહ્યા છે અને માત્ર માહિતીની અપેક્ષા રાખે છે, ત્યારે તલાટીએ ઉશ્કેરાઈ જઈને જણાવ્યું હતું કે, “તમારે મામલતદાર કે કલેક્ટર કચેરીમાં જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર, તું તું મેં મેં ની ભાષા વાપરી” પોતાની ખુરશી પરથી ઊભા થઈને ચાલતી પકડી હતી.એક તરફ સરકાર ‘સેવા સેતુ’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ જેવા કાર્યક્રમો દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ કચેરીમાં બેઠેલા જવાબદાર કર્મચારીઓ જ જો આવું નકારાત્મક વલણ દાખવે, તો સામાન્ય જનતાને ન્યાય કેવી રીતે મળશે?
આ બાબતે ઇકબાલ સંધવાણીએ મામલતદારને લેખિત ફરિયાદ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે









